સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી : સુપ્રીમ કોર્ટે પોતાનો અગાઉનો ચુકાદો બદલ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવાના ફરજિયાતપણાને સુપ્રીમકોર્ટે સમાપ્ત કર્યું છે. સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદામાં ફેરફાર કરી મહત્ત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. એમણે કહ્યું સિનેમાઘરોમાં હવે રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી. કેન્દ્ર સરકારની કમિટી આ બાબત નવેસરથી નિયમો ઘડશે. આ મુદ્દે સરકારે પોતાનું વલણ બદલતા સુપ્રીમ પણ પોતાનો ચુકાદો બદલી શકે છે. એવી આગાહી કરાઈ હતી. સોમવારે સરકારે પોતાના વલણમાં ફેરફાર કરી સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સિનેમાઘરોમાં ફિલ્મની શરૂઆત પહેલાં રાષ્ટ્રગીતને ફરજિયાત કરાતા પહેલાંના સુપ્રીમ કોર્ટના આદેશમાં ફેરફાર કરવું જોઈએ. કેન્દ્ર સરકારે કહ્યું અમે એક આંતર-મંત્રાલયની કમિટી બનાવી છે કારણ કે એ પરિસ્થિતિઓ અને પ્રસંગોનું વર્ણન કરવા અને દિશા-નિર્દેશ નિર્ધારિત કરવા માટે ખૂબ જ ઉંડા વિચાર વિમર્શની જરૂર છે કે કયારે રાષ્ટ્રગીત વગાડવું જોઈએ. કેન્દ્ર સરકારે કહ્યું ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ આદેશમાં ફેરફાર કરી પહેલાંની સ્થિતિ અર્થાત ૩૦મી નવેમ્બર ર૦૧૬ની સ્થિતિ જાળવવા આદેશ કરી શકે છે. જે મુજબ સિનેમાઘરોમાં ફિલ્મની શરૂઆત પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત ન હતું. ૩૦મી નવેમ્બરે સુપ્રીમકોર્ટે આદેશ આપી રાષ્ટ્રગીતને ફરજિયાત કર્યું હતું અને એ સાથે તે વખતે બધાને ઊભા થવા પણ જણાવ્યું હતું. સરકારે જણાવ્યું કે, અમોએ જે કમિટી બનાવી છે. એમાં રક્ષા, વિદેશ, સંસ્કૃતિ, મહિલા અને બાળ વિકાસ તથા સંસદીય કાર્ય મંત્રાલયના વિભિન્ન પ્રતિનિધિઓ છે. કમિટી પોતાનો અહેવાલ ૬ મહિનામાં આપશે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે ર૩મી ઓક્ટોબર ર૦૧૭માં કહ્યું હતું કે દેશભક્તિ દર્શાવવા રાષ્ટ્રગાન વાગતી વખતે ઊભા થવું ફરજિયાત નથી. લોકો સિનેમાઘરોમાં મનોરંજન માટે જાય છે. દેશભક્તિ દર્શાવવા માટે નહીં સમાજને મનોરંજનની જરૂરિયાત છે. સરકારે અમારા ખભા ઉપર બંદૂક મૂકી ફોડવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અપેક્ષા રાખવી અને અનિવાર્ય બનાવવું બન્ને તદ્દન જુદા છે. સિનેમાઘરો અને અન્ય સ્થળોએ રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય હોય કે નહીં એ માટે સરકારને નિર્ણય કરવો જોઈએ. અમે નિર્ણય નહીં કરીશું. આ બાબત કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં આવે તો સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશથી એ પ્રભાવિત થશે નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks