ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ૧૧માં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ ન થતાં વિવાદ વધ્યો છે. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે સિરાજના નામ પર કટાક્ષ કરતા કહ્યું, ‘નામ સિરાજ છે, આટલું શું ઓછું છે ?’ સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીએ પણ સિરાજના બહાર થવા પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ટીમ મેનેજમેન્ટની પસંદગી નીતિ પર સચિન તેંડુલકરનું ઉદાહરણ આપીને ટીકા કરી
તા.૨૦
ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ૧૧ને લઇને વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ૧૧માં સ્થાન ન મળવા પર સોશિયલ મીડિયાથી લઇને ક્રિકેટ જગત સુધી સવાલ ઊઠી રહ્યા છે. હવે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે પણ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સિરાજના નામ અંગે કટાક્ષ કરતા કહ્યું, ‘નામ સિરાજ છે, આટલું શું ઓછું છે ?’ મોહમ્મદ સિરાજના સિલેક્શન અંગે પૂછવામાં આવેલા સવાલ પર ઇમરાન મસૂદે કહ્યું કે, ‘જો તેઓ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમ છતાં તેમનું સિલેક્શન નથી થઇ રહ્યું તો તેની પાછળ બીજું શું કારણ હોઇ શકે ? આ જ કારણ હોઇ શકે છે, આના સિવાય બીજું કોઇ કારણ ન હોઇ શકે.’ગાવસ્કર અને શાસ્ત્રીએ પણ ઉઠાવ્યા સવાલ : સિરાજને પ્લેઇંગ ૧૧માંથી બહાર રાખવાનો નિર્ણય ઘણા પૂર્વ ક્રિકેટરોને પણ ચોંકાવી ગયો. સુનીલ ગાવસ્કરે તેને આશ્ચર્યજનક નહીં પરંતુ હેરાન કરનારો નિર્ણય ગણાવ્યો. તેમણે કહ્યું કે, ‘સિરાજે ક્યારેય ભારતને નિરાશ નથી કર્યું અને તેમની બોલિંગમાં એવું કંઇ થયું નથી, જેના કારણે તેમને બહાર રાખવામાં આવે.’ ગાવસ્કરના જણાવ્યા પ્રમાણે જ્યારે સિરાજને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તેણે છેલ્લી મેચ રમી તો તેને લાગ્યું હતું કે, બોલરને પહેલી ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં વેલિંગ્ટનમાં પ્લેઇંગ ૧૧માં સ્થાન ન મળવું આશ્ચર્યજનક છે. બીજી તરફ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ સોશિયલ મીડિયા પર સિરાજનું સમર્થન કર્યું. તેમણે લખ્યું કે, અનુભવ અને રમત પ્રત્યેના સમર્પણને જોતા સિરાજ ટીમમાં હોવા જોઇતા હતા. શાસ્ત્રીએ સવાલ ઉઠાવ્યો કે, જો ઝડપી ગતિ, કૌશલ્ય અને બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા પસંદગીનો આધાર હતી, તો ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનારા સિરાજને કેમ બહાર રાખવામાં આવ્યો ? તેમણે સિરાજના અનુભવ આક્રમકતા અને બોલથી મેચનો રૂખ બદલવાની ક્ષમતાનો પણ ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ટીમ મેનેજમેન્ટની સિલેક્શન નીતિ પર કટાક્ષ કરતા સચિન તેંડુલકરનું ઉદાહરણ પણ આપ્યું. કૈફના મતે જો હાલના ટીમ મેનેજમેન્ટનું ચાલતે, તો તે સચિન તેંડુલકર જેવા મહાન બેટ્સમેનને પણ બે-ત્રણ ખરાબ મેચો અથવા એક ખરાબ સિરીઝ પછી ટીમમાંથી બહાર કરી દેત. તેમનું કહેવું છે કે, ટીમ મેનેજમેન્ટ પહેલા પણ ઘણા ખેલાડીઓ સાથે આવા નિર્ણયો લઇ ચૂક્યું છે અને હવે મોહમ્મદ સિરાજ સાથે પણ કંઇક આવું જ થતું જોવા મળી રહ્યું છે. કૈફે એ વાત પર ભાર મૂક્યો કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક ખેલાડીના કરિયરમાં ઉતાર-ચઢાવ આવે છે પરંતુ એક ખરાબ સીરીઝ કોઇ ખેલાડીના વર્ષોના યોગદાન અને મેચ જીતાડનારા પ્રદર્શનને ખતમ નથી કરી શકતી.