સુકમામાં નકસલી હુમલો સીઆરપીએફના ૧૦ જવાન શહીદ

(એજન્સી) સુકમા, તા. ૧૩
છત્તીસગઢના સુકમામાં મંગળવારે તલાશી અભિયાનમાં જોતરાયેલા સીઆરપીએફના જવાનો પર ઘાત લગાવીને થયેલા માઓવાદી હુમલામાં ૧૦ જવાન શહીદ થયાં છે. આ ઘાતક હુમલામાં ૬ જવાનો ઘાયલ થયાં હતા જેમાંના કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલ મુજબ હુમલામાં લગભગ ૧૦૦ નકસલીઓ સંકળાયેલા હતા. નકસલ પ્રભાવિત સુકમાના કિસ્તરામ વિસ્તારમાં બપોરે ૧૨ ની વાગ્યે સીઆરપીએફની ૨૧૨ ની બટાલિયન પર આ હુમલો થયો. જવાનો તલાશી અભિયાન માટે જઈ રહ્યાં હતા ત્યારે ટાંપીને બેઠેલા નકસલવાદીઓએ આઈઈડી વિસ્ફોટ કર્યો જેમાં ૧૦ જવાનો શહીદ થયાં. ખબરોમાં જણાવ્યાનુસાર, નકસલવાદીઓને જવાનોની હિલચાલની માહિતી અગાઉથી મળી ગઈ હતી અને આ પૂર્વનિયોજિત હુમલો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, આ હુમલામાં પીપલ્સ લિબરેશન જૂથનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. નકસલ વિરોધી અભિયાનના સ્પેશિયલ ડીજી ડીએમ અવસ્થીએ કહ્યું કે એક પેટ્રોલિંગ પાર્ટી બખ્તરબંધ ગાડીમાં કિસ્તરામથી પાલોદી માટે જઈ રહી હતી. રસ્તામાં નકસલીઓએ આઈઈડી વિસ્ફોટ કરી દીધો. વધારાના જવાનોને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યાં છે. સીઆરપીએફના બીજા એક અધિકારીએ કહ્યું કે જિલ્લાના કિસ્તરામ થાણા વિસ્તારમાં નકસલવાદીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઈન વાહનને ઉડાવી મૂક્યું. મંગળવારે રાતે સીઆરપીએફના ૨૧૨ મી બટાલિનના જવાનો એન્ટી લેન્ડ માઈન વાહનમાં બેસીને રવાના થયાં હતા જ્યારે તેઓ કિસ્તરામ થાણા વિસ્તારમાં આવ્યાં ત્યારે નકસલવાદીઓએ તેમના વાહનને ઉડાવી મૂક્યું હતું. ઘટનાની જાણકારી મળતાં આ વિસ્તારમાં વધારાના પોલીસ બળને મોકલી આપવામાં આવ્યું હતું. શબો અને ઘાયલ જવાનોને જંગલમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts