સુપ્રીમકોર્ટના આદેશથી બધી જ યોજનાઓને આધાર સાથે જોડવાની તારીખ ૩૧મી માર્ચ સુધી લંબાવાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
સુપ્રીમકોર્ટે સરકારની બધી જ યોજનાઓને આધારકાર્ડ સાથે જોડાવવાની છેલ્લી તારીખ ૩૧મી માર્ચ સુધી લંબાવવા આદેશ કર્યો છે. સુપ્રીમકોર્ટ કેન્દ્ર સાથે સંમત થઈ હતી અને પાંચ જજોની બંધારણીય બેંચે વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. વચગાળાનો આદેશ મોબાઈલ ફોનને આધાર સાથે જોડવાને પણ લાગુ પડશે. આ પહેલાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે, સરકાર ૩૧મી માર્ચ સુધી આધાર સાથે જોડાણ કરવાની તારીખ લંબાવશે. વેણુગોપાલે જો કે, કોર્ટ સમક્ષ માગણી કરી કે નવા ખોલાતા ખાતાઓ માટે આધાર કાર્ડ રજૂ કરવો ફરજિયાત કરવામાં આવે. ઓછામાં ઓછા ૬ વરિષ્ઠ વકીલોએ રજૂઆતો કરી આધારની વૈધાનિકતાને પડકારી હતી પણ સુપ્રીમકોર્ટે મર્યાદિત રૂપે બેંક ખાતાઓ સાથે જોડાણ બાબત સંમત થઈ અને અન્ય બાબતો માટે ૧૭મી જાન્યુઆરીની તારીખ નિર્ધારિત કરી હતી. સરકારે ગઈકાલે જાહેરનામું બહાર પાડયું હતું જેમાં પાનકાર્ડ, નાણાંકીય વહેવારો અને બેંક ખાતાઓ માટે આધાર સાથે જોડાણની તારીખ ૩૧મી માર્ચ કરી હતી. જો કે મોબાઈલ સેવાઓ માટે કશું જણાવેલ નથી. અગાઉ સરકારે મોબાઈલ માટે ૬ઠ્ઠી ફેબ્રુઆરી જાહેર કરેલ છે. એટર્ની જનરલે આ બાબતે કોર્ટ સમક્ષ રજૂ કરતાં કહ્યું કે આની તારીખ પણ લંબાવવી જોઈએ. અરજદારોએ રજૂઆતો કરી હતી કે બેંક ખાતાઓ સાથે અને મોબાઈલ સાથે આધાર જોડણી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks