(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સુપ્રીમકોર્ટના જજો વચ્ચે થયેલ વિખવાદની જાહેર થયેલ ઘટના સામે વકીલોએ નારાજગી દર્શાવી છે. એમનું કહેવું છે કે, આ વિવાદ જજોએ આંતરિક રીતે ઉકેલવો જોઈતો હતો. અણધારી રીતે યોજાયેલ પત્રકાર પરિષદ યોજાવાથી ‘ન્યાયાતંત્રને આંચકો’નો અનુભવ થયો છે. બાર કાઉન્સિલના સભ્યોએ સાંજે મીટિંગ યોજી હતી અને આગળ શું પગલાં લેવા એ વિષે ચર્ચાઓ કરી હતી. બાર કાઉન્સિલના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, અમે સુપ્રીમકોર્ટના ર૩ જજો સાથે મળીશું જેમાંથી મોટાભાગનાઓએ ચર્ચા માટે તૈયારી બતાવી છે. એ સાથે વિરોધ પ્રક્ટ કરનાર ચાર જજો સાથે પણ મળશે અને છેલ્લે સીજેઆઈ સાથે મુલાકાત કરશે. આવતીકાલથી મીટિંગો શરૂ કરશે. એમણે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે સુપ્રીમકોર્ટ જેવી સંસ્થાના મુદ્દાઓ બાબત રોડ ઉપર ચર્ચાઓ થાય. સુપ્રીમકોર્ટે આ વિવાદો આંતરિક રીતે ઉકેલવા જોઈએ. જાહેરમાં ચર્ચા થવાથી અમારી સિસ્ટમ જ નબળી પડશે. સુપ્રીમકોર્ટ બાર એસોસિએશનના મનનકુમાર મિશ્રાએ જણાવ્યું હતું.