(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ ધવને નિર્ણય કર્યો છે કે એ વકીલાતનો વ્યવસાય છોડી દેશે. આ મામલે એમણે સીજેઆઈ દીપક મિશ્રાને પત્ર લખ્યો છે. ધવને લખ્યું છે કે દિલ્હી અને કેન્દ્ર સરકારના કેસમાં સુનાવણી દરમિયાન એમણે પોતે અપમાનિત થયા હોવાનો અનુભવ કર્યો હતો. એ માટે એમણે વકીલાત છોડવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસો પહેલાં સુપ્રીમકોર્ટે વરિષ્ઠ વકીલો દ્વારા જોરશોરથી દલીલો કરવા બદલ નારાજગી જાહેર કરી હતી અને ચેતવણી આપી હતી કે આ પ્રકારનું વર્તન ચલાવી નહીં લેવાય. એના એક દિવસ પહેલાં જ કેન્દ્ર અને દિલ્હી સરકારના કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટ ધવનની દલીલની રજૂઆત સાથે સંમત હતી. આ પહેલાં સુપ્રીમકોર્ટે તીખી ટિપ્પણી કરી બારને ટકોર કરી હતી કે જો બાર કાઉન્સિલ પોતે નિયંત્રણો નહીં મૂકી શકતો હોય તો કોર્ટ એમને નિયંત્રણમાં રાખશે. કોર્ટે સ્પષ્ટરીતે કહ્યું હતું કે, બૂમો પાડીને દલીલો કરવાના વર્તનને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય. સીજેઆઈ દીપક મિશ્રાએ જ વકીલોને સંયમથી વર્તવા કહ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે જો વરિષ્ઠ વકીલો જોરશોરથી દલીલો કરશે તો એ વરિષ્ઠ વકીલ નહીં બની શકશે. દિલ્હી સરકાર સાથે જોડાયેલ કેસમાં રાજીવ ધવન કેસ લડી રહ્યા છે અને અયોધ્યા મામલે કપિલ સિબ્બલ કેસ લડી રહ્યા છે. સીજેઆઈએ કહ્યું કે બન્ને કેસો દરમિયાન વકીલોનું વર્તન ખૂબ જ ગંભીર હતું.