(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
સુપ્રીમકોર્ટે મંગળવારે રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવાના કેસની સુનાવણી પમી ડિસેમ્બર સુધી મોકૂફ રાખી છે. કેન્દ્ર સરકારે રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમાર પાછા મોકલવા નિર્ણય કર્યો હતો જે નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ નિર્ણય ઉપર પ્રતિબંધ મૂકવાની અરજી બે શરણાર્થીઓએ કરી હતી. ગઈ સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, આ કેસની સુનાવણી સાકલ્યવાદી તરીકે કરવામાં આવશે કારણ કે શરણાર્થીઓની કટોકટી એક વિશેષ પરિસ્થિતિમાં પહોંચી છે. ભારતમાં ૪૦ હજારથી વધુ ગેરકાયદેસર રોહિંગ્યા શરણાર્થીઓ વસવાટ કરે છે. ૬ લાખથી વધુ રોહિંગ્યાઓ પોતાનું જીવ બચાવવા બાંગ્લાદેશ ભાગી આવ્યા છે. મ્યાનમારમાં એમની સામે અતિ હિંસાઓ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રોહિંગ્યા મુસ્લિમો ભારતીય નાગરિકોના અધિકારો ઉપર તરાપ મારશે અને એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી છે. ત્રાસવાદીઓના પ્રભાવ હેઠળ આવે એની શક્યતા વધુ છે. આ પહેલાંની સુનાવણીમાં પણ સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે માનવ અધિકારોમાં અને રાષ્ટ્રીય હિત વચ્ચે સમતોલન જાળવવું જરૂરી છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે આ ખૂબ જ મોટો મુદ્દો છે. જે મુદ્દાનો મહત્ત્વ પણ વધુ છે જેના માટે સરકારે મોટી ભૂમિકા ભજવવાની છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં રાજ્યએ બધા પાસાઓને ધ્યાનમાં રાખવું પડે છે. અમે કોઈપણ લાગણીઓ ભરેલ દલીલો તરફ ધ્યાન નહીં આપીશું. અમે ફકત કાયદાની જોગવાઈઓને જ ધ્યાનમાં લઈશું. અમે દેશની સમસ્યા સમજીએ છીએ એ સાથે લોકોનું પ્રશ્ન પણ સમજીએ છીએ. અમારે બન્ને વચ્ચે સમતોલન જાળવવું છે.