(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
સુપ્રીમ કોર્ટે બુધવારે વર્ષ ૧૯૮૪ના શિખ વિરોધી રમખાણો સાથે સંબંધિત ૧૮૬ કેસોની તપાસ ફરી કરવાનો નિર્દેશકર્યો છે. સત્તાવાર અહેવાલો અનુસાર તોફાનોની તપાસ માટે હાઇકોર્ટના પૂર્વ જજોની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના નવા વિશેષ તપાસ દળની રચના કરવામાં આવશે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા તોફાનો સાથે સંબંધિત આ કેસોની તપાસ બંધ કરીદેવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એએમ ખાંવલિકર અને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડની ખંડપીઠે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના એક સેવાનિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી આ પ્રસ્તાવિત સમિતીમાં પોલીસના એક સેવાનિવૃત્ત અને એક કાર્યરત અધિકારીને સામેલ કરવામાં આવશે. ખંડપીઠે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સેવાનિવૃત્ત પોલીસ અધિકારી સેવાનિવૃત્તિને સમયે ઉપમહાનિર્દેશકથી નીચેના પદ પર ન હોવો જોઇએ. ટોચની અદાલતે જણાવ્યું હતું કે, તેના દ્વારા નિમાયેલી સમિતીએ ૨૪૧ કેસોમાંથી ૧૮૬ કેસોને તપાસ વિના જ બંધ કરી દીધા હતા. ન્યાયાલયે સમિતી દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટનું અવલોકન કર્યું હતું જેને ચામડાના બોક્સમાંરજૂકરવામાં આવ્યો હતો. આ બોક્સમાં તાળાને નંબર પ્રણાલીવાળું રાખવામાં આવ્યું હતું. આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજો જેએમ પંચાલ અને જસ્ટિસ રાધાક્રિષ્ણન દ્વારા રજૂ કરાયો હતો. ગયા વર્ષે ૧૬મી ઓગસ્ટે એસઆઇટીના ૨૪૧ કેસોને પડતા મુકવાના નિર્ણયની સમીક્ષા કરવા સમિતી હતી અને ૧૯૮૪ના કેસો અંગેના રિપોર્ટને રજૂ કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, એસઆઇટી દ્વારા તપાસાયેલા કુલ ૨૫૦ કેસોમાંથી ૨૪૧ના ક્લોઝર રિપોર્ટ રજૂ થઇ ગયા છે.