(એજન્સી) નવી દિલ્હી, તા.રર
જજ લોયાની રહસ્યમય મૃત્યુ કેસને ગંભીર ગણતા સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે આ કેસ ગંભીર છે જેથી યોગ્ય સુનાવણી કરવામાં આવશે. સીજેઆઈ દીપક મિશ્રા અને બે વરિષ્ઠ વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. વકીલો સ્વતંત્ર તપાસની માગણી કરતા હતા. જજ લોયાનું મૃત્યુ નાગપુર ખાતે એક લગ્ન સમારોહમાં ૧લી ડિસેમ્બર ર૦૧૪ના રોજ થયું હતું. તે સમય દરમિયાન જજ લોયા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં અમિત શાહ પણ આરોપી હતા.
લોયા કેસની ૧૦ મહત્ત્વપૂર્ણ હકીકતો આ મુજબ છે :
૧. જજ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે આ કેસને લગતા બધા જ દસ્તાવેજોનો અભ્યાસ અમારે કરવો છે. જેથી અમારી આત્મા એ નહીં કહે છે અમે અમુક દસ્તાવેજો તપાસ્યા ન હતા. જજ ચંદ્રચૂડ સીજેઆઈ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેંચના એક જજ છે.
ર. જજોએ અરજદાર બોમ્બે લોયર્સ એસોસિએશનને જણાવ્યું કે એ આ કેસને લગતા દસ્તાવેજો આ કોર્ટમાં રજૂ કરે. જે દસ્તાવેજો એમણે બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કર્યા છે.
૩. સુનાવણી દરમિયાન ઉગ્ર દલીલો થઈ હતી. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે આક્ષેપો મૂક્યા હતા કે કોર્ટ પત્રકારોનો અવાજ દબાવવા માંગે છે. આ દલીલથી સીજેઆઈ રોષે ભરાયા હતા અને જયસિંહને બિનશરતી માફી માંગવા આદેશ આપ્યો હતો. દીપક મિશ્રાએ કહ્યું મેં એક પણ શબ્દ કહ્યો નથી જેનાથી મીડિયાનો અવાજ દબાવાય, મારા માટે આ યોગ્ય નથી, તમે માફી માંગો. અમે હજુ સુધી કોઈ પણ આદેશ આ પ્રકારનો આપ્યો નથી. અમે ફક્ત ચર્ચાઓ કરીએ છીએ. તમે ફરીથી આવું નહીં કરશો, મેં અન્ય દિવસે કહ્યું હતું કે મીડિયાનો અવાજ નહીં દબાવો, ખરેખર મને દુઃખ થયું છે.
૪. લોયર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરતા દુષ્યંત દવેએ કહ્યું કે મારા અસીલે બધા દસ્તાવેજો આરટીઆઈ દ્વારા મેળવ્યા છે જેથી એમની તપાસ કરવામાં આવે. એમણે કહ્યું કે આજની તારીખ સુધી જજનું મૃત્યુ કુદરતી હતું. દરમિયાન આની સામે જજ ચંદ્રચૂડે કહ્યું જો એ આજની તારીખ સુધી કુદરતી મૃત્યુ છે તો એ માટે અમોએ કોઈ ઉપર આરોપો ના મૂકવા જોઈએ.
પ. જજ લોયાનું મૃત્યુ ૧લી ડિસેમ્બર ર૦૧૪ના દિવસે નાગપુર ખાતે થયું હતું જ્યારે તેઓ એક લગ્નમાં હાજરી આપવા ગયા હતા એ એક કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં અમિત શાહ આરોપી હતા. અમિત શાહને એમના અનુગામી જજે કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા, એ જણાવી કે એમની સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવાઓ નથી.
૬. જજ લોયાના મૃત્યુ સંદર્ભે એમના કુટુંબીજનોએ શંકાઓ ઉઠાવતા જણાવ્યું હતું કે લોયાને લાંચ આપવા પ્રયાસો કરાયા હતા. એના પછી બે અરજીઓ દાખલ કરાઈ હતી. જો કે થોડા જ સમય પહેલાં લોયાના પુત્ર અનુજ લોયાએ પત્રકારો સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે અમને જજની મૃત્યુ બાબત કોઈ શંકા નથી, મારા પિતાનું મૃત્યુ કુદરતી હતું. આ મુદ્દાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે.
૭. વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે વકીલ હરીશ સાલ્વે મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહી નહીં શકે કારણ કે એ પહેલાં અમિત શાહ તરફે હાજર રહી ચૂક્યા છે. એનાથી હિતોનો સંઘર્ષ થશે. જજ ચંદ્રચૂડે કહ્યું કે અમોએ બીજાઓ ઉપર ટિપ્પણી નહીં કરવી જોઈએ. જ્યારે દવેએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો બાબત શંકાઓ ઉઠાવી ત્યારે સાલ્વેએ કહ્યું,અમને દવેના સર્ટિફિકેટની જરૂર નથી.
૮. જજ લોયાનો કેસ આ પહેલા જજ અરૂણ મિશ્રાની બેંચ સમક્ષ સુનાવણી માટે મુકાયો હતો. એનાથી ચાર વરિષ્ઠ જજો નારાજ થયા હતા અને જણાવ્યું હતું કે આ યોગ્ય નથી. તેથી જજ અરૂણ મિશ્રાએ ૧૬મી જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે કેસ યોગ્ય બેંચને આપવામાં આવે.જે પછી સીજેઆઈએ કેસ પોતાના હસ્તક લીધો છે.
૯. ચાર જજો ચેલમેશ્વર, રંજન ગોગોઈ, એમ.બી. લોકુર અને કુરિયન જોસેફની નારાજગીનું કારણ જજ લોયાનો કેસ પણ હતો. જેના લીધે આ આરોપ જજોએ પત્રકાર પરિષદ યોજી પોતાનો રોષ જાહેર કર્યો હતો. એમણે આક્ષેપો મૂક્યા કે સીજેઆઈ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. જે કેસોની લાંબાગાળાની અસરો થવાની છે એ કેસો જુનિયર જજોને અપાઈ રહ્યા છે.
૧૦. સીજેઆઈ દીપક મિશ્રાએ જજો સાથે ગયા અઠવાડિયે બે વખત મીટિંગ કરી હતી અને ચર્ચાઓ કરી હતી, જેમાંથી એક મીટિંગમાં બીજા ચાર જજો પણ હાજર હતા. પણ હજુ સુધી વિવાદ સમગ્ર ઉકેલાયો નથી.