આમર અલ મહદી મન્સૂર અલ ગદ્દાફી હજ કરવા માટે સામાન્ય રીતે યાત્રા શરૂ કરવાની હતી પણ સુરક્ષા તપાસ દરમિયાન ઇમિગ્રેશનમાં તેને રોકી દેવામાં આવ્યો હતો
(એજન્સી) તા.ર૮
મુસ્લિમ લોકો માટે હજની વાર્ષિક યાત્રા મહત્વપૂર્ણ હોય છે. સઉદી શહેર મક્કાની આ યાત્રા માટે એક લીબિયન વ્યક્તિની દૃઢતા અને આધ્યાત્મિક પ્રતિબદ્ધતા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. આમર અલ મહદી મન્સૂર અલ ગદ્દાફી હજ કરવા માટે સામાન્ય રીતે યાત્રા શરૂ કરવાની હતી પણ સુરક્ષા તપાસ દરમિયાન ઇમિગ્રેશનમાં તેને રોકી દેવામાં આવ્યો હતો. આમર અલ મહદી મન્સૂર અલ ગદ્દાફીને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા માટે કાઉન્ટર પર ઊભો રાખવામાં આવ્યો હતો. તેમને એરપોર્ટ પર કહેવામાં આવ્યું કે, અમે તમારા માટે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું, પરંતુ તમારે થોડી રાહ જોવી પડશે. જ્યારે તેમનું જૂથ ફ્લાઇટમાં ચઢ્યું ત્યારે તેમને હજુ પણ એરપોર્ટ કાઉન્ટર પર ઊભા રાખવામાં આવ્યા હતા. સુરક્ષા સમસ્યા ઉકેલાયા પછી, પાયલોટે તેમના માટે દરવાજો ખોલવાનો ઇન્કાર કર્યો અને તેમના વિના જ વિમાન રવાના થવાનો નિર્ણય લીધો હતો. જોકે, સુરક્ષા અધિકારીઓએ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં, આમેરે એરપોર્ટ છોડવાનો ઇન્કાર કર્યો અને કહ્યું કે, “હું હજ કરવા માંગું છું અને અલ્લાહની ઇચ્છા હોય તો હું જરૂર જઈશ.”આ ટેકઓફ પછી તરત જ, ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને તેને પાછું વળવાની ફરજ પડી હતી. વિમાનમાં સમારકામ કરવામાં આવ્યું, જો કે, પાયલોટે ફરીથી દરવાજો ખોલવાનો ઇન્કાર કર્યો હતો. બીજી વખત ટેકઓફ કર્યા પછી, વિમાન ફરીથી ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ બીજી વખત સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે વિમાનને ફરીથી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મુસાફરો અને ક્રૂના જણાવ્યા મુજબ, બીજી વાર લેન્ડિંગ પછી કેપ્ટને કહ્યું કે, હું શપથ લઉં છું કે જ્યાં સુધી આમેર આ વિમાનમાં અમારી સાથે ન હોય ત્યાં સુધી હું ફરીથી ઉડાન ભરીશ નહીં.આ દરમિયાન, અધિકારીઓએ આમેરની મુસાફરીનો માર્ગ મોકળો કરી દીધો અને તે ત્રીજા પ્રયાસમાં ફ્લાઇટમાં ચઢી ગયો હતો. આ ઘટના વિશે વાત કરતા આમેરે કહ્યું કે, હું ફક્ત હજ જવા માંગતો હતો અને હું માનતો હતો કે જો તે મારા નસીબમાં લખાયેલું હોય તો કોઈપણ શક્તિ તેને રોકી શકશે નહીં.સોશિયલ મીડિયા પર આમેરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે વિમાનના ક્રૂ સાથે પોઝ આપતો જોવા મળે છે.