(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સાંઇબાબા નગર ખાતે માત્ર ૧૦૦ રૂપિયાની લેતી-દેતી મામલે એક સગીર સહિત બે શખ્સોએ યુવક પર તલવાર તથા લાકડાના ફટકા વડે હુમલો કરી રૂા.૧૦ હજારની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડિંડોલી કૈલાશ નગરની બાજુમાં સાંઈબાબાનગર ખાતે રહેતો અને ડ્રાઈવિંગના ધંધા સાથે સંકળાયેલા ધર્મરાજ ઉર્ફે રાજુ સંતોષભાઈ ગુર્જર પાટીલના કૌટુંબિક ભાઈ સાગરે તેના સગીર મિત્ર પાસેથી થોડા દિવસ પહેલાં ૧૦૦ રૂપિયા ઉછીના લીધા હતા. જે રૂા.૧૦૦ સાગરે પરત ન આપતા સગીર કિશોરે સાગર પાસેથી ઓપ્પો કંપનીના મોબાઈલ ફોન લઈ લીધો હતો. જેને લઈને બંને વચ્ચે બબાલ પણ થઈ હતી. આ બાબતની અદાવત રાખી સગીર કિશોર અને તેનો કોઈ મિત્ર કમલેશ યશવંતભાઈ તલવાર અને લાકડાના દંડા વડે ગત બુધવારની મોડી રાત્રે ડ્રાઈવર ધર્મરાજ ઉર્ફે રાજુના ઘરે આવી હુમલો કરી શરીરે લાકડાના દંડા વડે ઈજાઓ કરી ધર્મરાજના ખિસ્સામાં રહેલ રૂા.૧૦,૦૦૦ની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ગયા હતા. ઈજાગ્રસ્ત પામલે ધર્મરાજે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ડિંડોલી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મારામારીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.