(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે સુવિધા કેન્દ્રમાંથી ગેરકાયદેસર આધારકાર્ડ બનાવવામાં વપરાતો મુદ્દામાલ કબ્જે કરી સંખ્યાબંધ આધારકાર્ડ કબજે લીધા હતા, અને હાલ તો આ સુવિધા કેન્દ્રને સીલ કરી દેવાયું હતું. માત્ર ૩૦૦ રૂપિયામાં આધારકાર્ડ બનાવી આપતા હોવાની વિગતો સામે આવી છે. વ્યક્તિની ગેરહાજરીમાં પણ તેના નામનું આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે છેલ્લા દોઢ બે વર્ષથી ચાલતા આ સુવિધા કેન્દ્રમાં અત્યાર સુધીમાં કેટલા બોગસ આધારકાર્ડ બનાવવામાં આવ્યા તે પણ તપાસનો વિષય છે.
પાંડેસરા વિસ્તારમાં કૈલાશનગર ચોકડી પાસે આવેલા સુવિધા કેન્દ્રમાં ગેરકાયદેસર રીતે આધારકાર્ડ બનાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી અને તેની જાણ પાંડેસરા પોલીસને થતા પોલીસની ટીમ સુવિધા કેન્દ્ર પર પહોંચી હતી. જ્યાં પોલીસે તપાસ કરતા ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વ્યક્તિની ગેરહાજરીમાં પણ આધારકાર્ડ કાઢી શકાય તેવી સુવિધા પણ અહી ઉભી રાખવામાં આવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ સિન્ડીકેટ બેંકને એલોડ કરવામાં આવેલું ખરેખર તો બેંકમાં હોવું જોઇએ પરંતુ આ મશીન પણ આ સુવિધા કેન્દ્રમાંથી પોલીસને હાથ લાગ્યું છે. આ મશીનનો ઓપરેટર મોરવડીયા પ્રકાશકુમાર હોવાનું જાણવા મળ્યું છે. આ મશીન અહી કેવી રીતે પહોંચ્યું તે પણ તપાસનો વિષય છે. બેંકનું મશીન સુવિધા કેન્દ્રમાં પહોંચીજતા સમગ્ર કૌભાંડ મેળાપીપણામાં ચાલતું હોવાની પણ શક્યતા ઉભી થવા પામી છે. ત્યારે હાલ તો પાંડેસરા પોલીસે આ સુવિધા કેન્દ્રો સીલ કરી તમામ મુદ્દામાલ કબજે લીધો છે અને સુવિધા કેન્દ્ર ચલાવનાર એક મહિલાની પુછપરછ પણ શરુ કરી છે.