સુરતના મુસ્લિમોનો સ્નેહ સંપાદિત કરવા ભાજપે મહારાષ્ટ્રના લઘુમતી મોરચાનો ઉપયોગ કર્યો

(એજન્સી) તા.૧૮
મંગળવારે સાંજે વિવિધ કાપડના કારખાના અને ટ્રેડિંગ શોપના યુવાન કામદારો સુરતના લિંબાયત મતક્ષેત્રમાં દિલાવર ટી સેન્ટરની બહાર બેઠા હતા. તેમાંના કેટલાકે નમાઝી ટોપી પહેરી હતી અને શિયાળાની સાંજે તેઓ ગરમાગરમ ચાની ચૂસ્કીઓ માણી રહ્યા હતા ત્યારે એક ગ્રુપના સભ્યો તેમની પાસે ગયા હતા. આ ગ્રુપના સભ્યોના ખભા પર ભગવા કલરના ખેસ હતા અને એ ખેસ પર ભાજપનું કમળનું ચૂંટણી પ્રતીક દોરેલું હતું. તેઓ ભાજપના લઘુમતી મોરચાના સભ્યો હતા કે જેઓ મોટાભાગના મહારાષ્ટ્રના હતા.
કોમવાદી રીતે સંવેદનશીલ તરીકે ઓળખાતા આ મતક્ષેત્રમાં ભાજપે મુસ્લિમ વસ્તીનો સ્નેહ સંપાદિત કરવા પોતાના લઘુમતી નેતાઓને મોકલ્યા છે. જ્યાં ૩૦ ટકા મતદારો મુસ્લિમો છે એ સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈ સાલ જાન્યુઆરીમાં રસ્તા પર એક વાછરડાનું કાપેલું માથંુ મળી આવ્યા બાદ આગચંપી અને હુલ્લડો ફાટી નીકળ્યા હતા. આમ એક રાષ્ટ્રીય નેતાના નેતૃત્વમાં મહારાષ્ટ્રના લઘુમતી નેતાઓને મોકલવાની આ હિલચાલ વ્યૂહાત્મક હતી. લિંબાયતના ૨.પપ લાખ મતદારોમાંથી ૧-૩ મતદારો મહારાષ્ટ્ર મૂળના હિંદુઓ છે. ૩૦ ટકા મુસ્લિમોમાં મોટાભાગના મહારાષ્ટ્રના છે અને બાકીના ઉ.પ્ર. અને બિહારના છે. ગુજરાતીઓની સંખ્યા ૨૦ ટકા કરતા ઓછી હોવાનો અંદાજ છે.
૨૦૧૨માં અડધાથી વધુ મત ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલને ગયા હતા અને મહારાષ્ટ્રના મૂળ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ સોનવણે ત્રીજા ક્રમે રહ્યા હતા. મંગળવારે ખાણીપીણીના સ્ટોલ અને પાનના ગલ્લાઓથી ભરચક શેરીની એક બાજુ ઘણા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા કે જ્યાં યુવાનોનું એક જૂથ વાતો કરી રહ્યું હતું. આ ચાનો સ્ટોલ મસ્જિદની નજીક છે. આ યુવાન જૂથને મળવા જનાર ભાજપના લઘુમતી નેતાઓમાંથી ડો.આઝમ રઝાએ વાતચીત શરૂ કરી હતી.
આઝમ રઝાએ તેમને જણાવ્યું હતું કે, અમે તમારો ટેકો મેળવવા કે તમને ભાજપને મત આપવા માટે જણાવવા આવ્યા નથી. અમે અહીં એ જાણવા આવ્યા છીએ તમે કોંગ્રેસ અને ભાજપ અંગે શું માંનો છો ? ૧૯૪૭થી કોંગ્રેસને ટેકો આપીને તમને શું પ્રાપ્ત થયું છે ? આપણો સમુદાય વિકાસના સંદર્ભમાં સાવ પાછળ રહ્યો છે એવું તેમણે પોતાની મુસ્લિમ ઓળખ જાહેર કરીને જણાવ્યું હતું.
રઝાએ વધુમાં તેમને જણાવ્યું હતંુ કે, તમારા વિસ્તાર અને રાજ્યમાં ઘણો વિકાસ થયો હોવા છતાં તમે અત્યાર સુધી ભાજપને મત આપ્યા નથી. અમે રાજ્ય સરકારને કહી શકીએ છીએ કે, તમારા વિજયમાં મુસ્લિમ મતોનો પણ હિસ્સો છે અને તેમને મદદની જરૂર છે. હવે તમારે નક્કી કરવાનું છે એવું કહીને રઝાએ તેમને સલાહ આપી હતી કે તેઓ ઘરે જઈને વિચારે અને સમગ્ર બાબતનું વિશ્લેષણ કરે. ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ ઈરફાન અહેમદે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી એક એવા પ્રથમ વડાપ્રધાન છે કે, જેમણે એવું કહ્યું હતું કે, તેઓ મુસ્લિમોના એક હાથમાં કુર્આન અને બીજા હાથમાં કમ્પ્યુટર જોવા માંગે છે. અહેમદે પણ ગુજરાતના વિકાસ પર પ્રકાશ ફેંક્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks