(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
સુરતના લિંબાયત વિસ્તારના દેવધ ગામ પાસે બનતા મુખ્યમંત્રી સુડા આવાસ યોજનામાં ઘર અને દુકાન અપાવવાના બહાને ૨૫થી વધુ વ્યકિતઓ પાસે ડિંડોલીના ચીટર સુનિલ કાશીરામ પટેલે રૂા.૧૩.૫૯ લાખ પડાવી લઈ ઠગાઈ કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયત વિસ્તારના ગોડાદરાના દ્વારકેશનગરમાં રહેતા પ્રેમિલાબેન ભટુભાઈ પાટિલે આરોપી સુનિલ કાશીરામ પટેલ (રહે.અંબિકા રેસિડેન્સી ડિંડોલી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સુનીલ પટેલે ફરિયાદી તથા અન્યોને દેધવ ગામ પાસે બનતા સુડાના મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઘર અને દુકાન અપાવવાની લાલચ આપી હતી અને અંદાજે ૨૫ જેટલા વ્યકિતઓ પાસેથી ડાઉન પેમેન્ટના નામે ૧૩,૫૯,૦૦૦ રૂપિયા ઉઘરાવી લીધા હતા. છેલ્લા ૨૨ મહિના દરમિયાન આ ચીટર સુનીલ પટેલે લોકોને જાસા આપતો હતો. ઘર કે દુકાન તો ન મળી પરંતુ આરોપીએ રૂપિયા પણ પરત કર્યા ન હતા. જેથી લોકો પોલીસ મથકે ધસી જતાં લિંબાયત પોલીસે પ્રેમિલાબેન ભટુભાઈ પાટિલની ફરિયાદ નોંધી પો.સ.ઈ. વી.એ.ડોડિયાએ તપાસ હાથ ધરી છે.