(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરના અડાજણ એલ.પી. સવાણી રોડ ઉપર આવેલી રીવરડેલ સ્કૂલમાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ દ્વારા ચોથા હપ્તાની ફી ભરવામાં વિલંબ થતાં આજે સાત જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વિદ્યાર્થીના વાલી અને સુરત શહેર વાલી મંડળના સભ્યો દ્વારા ડીઈઓ કચેરીએ ધરણા યોજવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રીવરડેલ સ્કૂલમાં કિશોરભાઈના બે સંતાનો અભ્યાસ કરે છે. મોટો પુત્ર ધો.૧૦મા અને પુત્રી ધો.૩મા અભ્યાસ કરે છે. ધો.૧૦મા અભ્યાસ કરનાર પુત્રની શાળાની ફીનો ચોથો અને અંતિમ હપ્તો ભરવામાં વિલંબ થતાં ગતરોજ સ્કૂલ ડાયરીમાં આચાર્ય દ્વારા સૂચના લખી આપવામાં આવી છે કે, ફી ન ભરવાથી તમારા બાળકને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે. આજે સવારે શાળામાં ગયેલ બાળકને શિક્ષકે ઘરે રવાના કરતા કહ્યું કે, ફી ન ભરવાથી તને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યું છે. આ અંગે બાળક દ્વારા વાલીને જાણ કરવામાં આવી હતી. વાલી કિશોરભાઈ શાળા સંચાલકોના નિર્ણયના વિરોધમાં આજે ડીઈઓ કચેરીએ ધરણા પર બેઠા છે. વાલી કિશોરભાઈની સાથે સુરત શહેર વાલીમંડળના સભ્યો પણ ધરણામાં જોડાયા છે. વાલી કિશોરભાઈના જણાવ્યા મુજબ રીવરડેલ સ્કૂલ દ્વારા આવી રીતે ધોરણ દસના પાંચ અને ધો.૧૨ના બે જેટલા વિદ્યાર્થીઓને ફી ન ભરવાના મુદ્દે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓનું મનોબળ તોડવાની સાથે તેમનું શૈક્ષણિક ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ વાલી કિશોરભાઈએ કર્યો હતો.