સુરતમાં આંદોલનકારીઓ ઉપવાસ શરૂ કરે તે પહેલાં જ અટકાયત કરાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરત મનપામાં સફાઇ કામદારો તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ આપવામાં આવે અને તે સાથે જ તેમાં આશ્રિતોને તેમના સ્થાને નોકરી મળે તેવી માંગ ઉઠી છે. સ્થાયી સમિતિ આ સબબનો ઠરાવ મંજૂર કરે તેવી માંગ સાથે સ્વાભિમાન સંસ્થા અને ઈન્ટુક દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે આંદોલનકારીઓ આમરણાંત ઉપવાસ શરૂ કરવાના હતા. જો કે, તે પૂર્વે જ તેમની અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો તેમજ વર્ગ ૪ના કર્મચારીઓમાં એવી માંગ ઉઠી છે કે, તેમના સ્વૈચ્છિક નિવૃત્તિનો લાભ આપવામાં આવે અને તેમના ખાલી પડનારા સ્થાન પર તેમના આશ્રિતોને જ નોકરી આપવામાં આવે. આ અંગે અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન, ડો.બાબાસાહેબ સફાઈ કામદાર યુનિયન, સ્વાભિમાન સંસ્થા અને ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સંયુકત રીતે મેદાને આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની યુનિયન કચેરી ખાતે આ ચારેય સંસ્થાઓના અગ્રણીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એવો નિર્ણય કરાયો હતો કે, સ્થાયી સમિતિ તેમના માગણી સબબનો ઠરાવ મંજૂર કરે. આ ઉપરાંત આ માગણી સાથે જ આથી આમરણાંત ઉપવાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં કિરીટસિંહ વાઘેલા, શાનખાન, કમલેશ સોલંકી, વિનોદભાઈ સોલંકી સહિત ૧૦ કરતાં વધુ અગ્રણીઓએ આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આંદોલનકારીઓએ સ્થાયી સમિતિના અધ્યક્ષની ઓફિસ બહાર દેખાવ કર્યો હતો અને ત્યારબાદ આમરણાંત ઉપવાસ શરૂ કરવાની તૈયારી કરી હતી. જો કે, પોલીસ તેમને ઉપવાસ પર ઉતરતા રોકયા હતા અને તેમની અટકાયત કરી હતી. જો કે, પોલીસ તેમની અટકાયત કરી લાલગેટ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks