(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફરતાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતાં પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાનને એસીબીએ બાતમીના આધારે છટકું ગોઠવી રુા.૧૦૦૦ની લાંચ લેતા રંગહાથો ઝડપી પાડયા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાપોદ્રા ચારરસ્તાથી આગળ જતાં શ્રીરામ ચોક ચારરસ્તાના જાહેર રોડ ઉપર ફરતાં લારીવાળાઓ પાસેથી સ્થળ પર ફરજ બજાવતાં પોલીસ કર્મચારી આવારનવાર લાંચ લેતા હોવાની બાતમી લાંચ રુશ્વત વિરોધી પોલીસને મળી હતી. જેથી એસીબી પોલીસે એક ડીકોયરને ઉભો કર્યો હતો. જે પોતાની લારીમાં ફ્રુુટ ભરીને હીરબાગ ચારરસ્તાથી કાપોદ્રા ચારરસ્તા તરફ જતો હતો. ત્યારે સ્થળ પર ફરજ બજાવતા એએસઆઇ રાકેશ ફતેસિંગ ચૌધરીએ આ ડીકોયર પાસેથી મહિનાના ઘંધો કરવા માટે રૂા.૫૦૦થી રુા.૧૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે નાણાં આ લાંચિયા પોલીસ અધિકારીએ ટીઆરબી જવાન સનેષ કનૈયાલાલ કુશવાહાને આપવા માટે જણાવ્યું હતું. જે મુજબ લાંચના રુા.૧૦૦૦ ડીકોયર આજે આપવા માટે ગયો હતો. જે નાણાં આરોપી પોલીસ અધિકારી વતી સનેષ કુશવાહાને સ્વીકારતાં એસીબીએ ઝડપી પાડયો હતો. જેની જુબાનીને આધારે એસીબીએ એએસઆઇ રાકેશ ચૌધરીને પણ અટકાયતમાં લઇ બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.