(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા દેશભરમાં તમામ આયકર કમિશ્નરેટમાંથી ડિફોલ્ટર્સની યાદી મંગાવવામાં આવી હતી. સુરત કમિશ્નરેટમાંથી આયકર અધિકારીઓ દ્વારા ૭૦ જેટલા ટેક્સ ડિફોલ્ટર્સની યાદી મોકલવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ડિફોલ્ટર્સની યાદી અખબારમાં પ્રસિધ્ધ કરવા અંગે વિચાર કરી રહ્યું છે. આયર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દેશભરમાં ટેક્સ રીક્વરી વધારવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.જેના અંતર્ગત પાછલા નાણાકીય વર્ષમાં દેશભરમાં મોટા પાયે રીક્વરી સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાની રીક્વરી કરવામાં આવી હતી તે ઉપરાંત કેટલાક ડિફોલ્ટર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે સીબીડીટીએ ચાલુ નાણાંકીય વર્ષમાં વિભાગે આ મુદ્દે વધુ ગંભીરતાથી કાર્યવાહી શરુ કરી છે, જે અંતર્ગત હવે ટેક્સ નહી ચુકાવનારાઓના નામ સાથે ફોટો અખબાર અને ટીવીમાં પ્રસિધ્ધ કરવામાં આવશે!! સુરત કમિશ્નરેટમાં પણ તમામ એડિશનલ કમિશ્નરને ૧૩ જુન સુધી તેમની રેંજમાં ટેક્સ ડિફોલ્ટર્સની યાદી બનાવી મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આયકરના જણાવ્યા અનુસાર સુરતમાં પણ આશરે ૧૦૦થી વધુ ટેક્સ ડિફોલ્ટર્સ પાસે કરોડો રૂપિયાની ટેક્સ વસુલી બાકી છે. જેમાંથી કેટલાક ગાયબ થઇ ગયેલા કરદાતાઓની યાદી બનાવી સીબીડીટીને મોકલવામાં આવી છે. જો આયકર વિભાગ દ્વારા જનસંપર્ક માધ્યમમાં ડિફોલ્ટર્સની યાદી પ્રસિધ્ધ કરવાનો પ્રયોગ સફળ થાય તો કરોડો રૂપિયાની ટેક્સ રીક્વરી સંભવ બનશે.