સુરત જિલ્લામાં અન્ન સલામતી કાયદાના અમલીકરણ માટેની સમીક્ષા બેઠક યોજાઈ

સુરત,તા.૧૭
સુરત શહેર અને જિલ્લામાં અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના અમલીકરણના અનુસંધાને જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાની અદ્યતન પરિસ્થિતિ તથા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રોની કામગીરીની રાષ્ટ્રીય અન્ન કાયદા-૨૦૧૩ સંદર્ભે રાજ્ય અન્ન આયોગના ચેરમેન ભુપેન્દ્ર લાખાવાલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી મેહન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચેરમેન શ્રી ભુપેન્દ્ર લાખાવાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અન્વયે રાજ્યના ૩ કરોડ ૮૪ લાખ એ.પી.એલ-બી.પી.એલ. કાર્ડધારકોને ગુણવત્તાયુક્ત, વાજબી અને પૂરતા પ્રમાણમાં અન્ન પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથે ટાઈ-અપ કરીને રાજ્યના પૂરવઠા નિગમ દ્વારા ખરીદાયેલા અનાજનું કૂડ અને ન્યુટ્રીશન વિભાગના ધારાધોરણને અનુસરીને અનાજની ગુણવત્તાની તલસ્પર્શી ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ જ પ્રમાણિત થયેલા અનાજને જાહેર વિતરણ માટે રવાના કરવામાં આવે છે.
આ બેઠકમાં અન્ન આયોગના સભ્યસચિવશ્રી એમ.એ.નરમાવાલાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં એન.એફ.એસ.એ. રેશનકાર્ડ પૈકી ૭૮ ટકા રેશનકાર્ડનું આધારકાર્ડ સાથે લિકઅપ પૂર્ણ કરાયું છે. જ્યારે ૫૮.૧૬ ટકા રેશનકાર્ડનું કાર્ડ ધારકોના બેંક એકાઉન્ટ સાથે લિંકની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી. રાજ્ય સરકાર દ્વારા પુરવઠા અને અન્ન વિધયક ફરિયાદો માટે જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે અધિક કલેક્ટરની નિમણુંક કરવામાં આવી છે. જે બાબતે ફરિયાદ વિષયક અસંતોષ હોય તો અન્ન આયોગનો સીધો સંપર્ક કરીને ન્યાય મેળવી શકાય છે.
આ પ્રસંગે અન્ન આયોગના સભ્ય અને સુરતના પૂર્વ મેયરશ્રી નિરંજન ઝાંઝમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.રાજેશ, અધિક નિવાસી કલેક્ટરશ્રી એસ.ડી.વસાવા, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી રજનીકાંત ઝાલા સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks