(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
સુરત જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે પ્રીતીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ વાંસીયાની આજે વિધિવત બિનહરીફ વરણી થઈ હતી. જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. સુરત જિલ્લા પંચાયતમાં આગામી અર્ઢી વર્ષની ટર્મ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી હતી. ગતરોજ ભાજપ દ્વારા પ્રમુખ પદ તરીકે પ્રીતીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ વાંસીયાનું ઉમેદવારી ફોર્મ ભરાયું હતું. કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારી ન નોંધાતા આજે સવારે ૧૧ કલાકે સુરત જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામાં આજે સવારે ૧૧ કલાકે સામાન્ય સભા મળી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી ચૂંટણીના બદલે બિનહરીફ વરણી થઈ હતી.