(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૩
સુરતની ૧૬ વિધાનસભા બેઠક પર આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે ર૪ર જેટલા ઉમેદવારી ફોર્મ ઉમેદવાર લઇ ગયા હોવાનું જાણવા મળે છે. વિધાનસભા ઉમેદવારી પત્ર ર૩ પાનાનું કરવામાં આવ્યું છે. ધારાસભ્યની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ઉમેદવારીપત્ર (ફોર્મ) બહાર પાડી દેવામાં આવ્યા છે. ફોર્મમાં ભરવાની થતી વિગતો ઉપરાંત જુદા જુદા પ્રકારના સોગંદનામા પર રજૂ કરવા પડશે. જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમલ કરાયેલી આચારસંહિતાની જિલ્લામાં ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. આજદિન સુધી આચારસંહિતા ભંગનો કોઈ કેસ નોંધાયો નથી. જેમાં કયાં ઉમેદવાર તરફનું નાણાં ભંડોળ હતું અને તેના પર થયેલ કાર્યવાહી સહિતના અહેવાલ આપવામાં આવશે. જો કે આજ દિન સુધી નાણાકીય હેરફેર અંગનો કોઈ કેસ નોંધાયો નથી. ચૂંટણીમાં નાણાકીય લેવડ-દેવડ અંગે અને ફલાઈંગ સ્કવોર્ડની રચના અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, કેટલી ટીમો કયાં સ્થળે કાર્યરત છે અને તેમના દ્વારા કરાયેલ દરોડા અંગેની માહિતી મીડિયાને આપવાની ઉચ્ચકક્ષાએથી સ્પષ્ટ ના પાડવામાં આવી છે. આથી આ વિગતો ગુપ્ત રખાશે. વધુમાં આચારસંહિતામાં ફલાઈંગ સ્કવોર્ડ કયાં અને કેટલી હોવા અંગેનો પણ પોલીસ વડાએ નનૈયો ભણ્યો હતો.