(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
શહેરના વરાછા ખાતે મચ્છર મારવાની દવા છાંટવા ગયેલા મનપા કર્મચારી પર છેડતીનો આરોપ મૂકી મારમારતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલા નવી વસાહતમાં રહેતા ૩૬ વર્ષીય નિતેષ મોહનભાઈ ગામીત સુરત મનપાના આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. મનપા કર્મચારી નિતેશ ગામીત ગઈકાલે શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં વરાછા સ્થિત મારૂતિ શોપિંગ સેન્ટરમાં મચ્છર મારવાની દવા છાંટવા ગયા હતા. દરમિયાન મકાન નંબર ૬મા પરિણીતાએ દવા છાંટવાની ના પાડી હતી. બાદમાં નિતેષે આ પરિણીતા પાસે પીવા માટે પાણી માંગ્યું હતું અને પાછળ રસોડામાં જઈ મહિલાની છેડતી કરી હતી. છેડતીના બનાવ બાદ પરિણીતા તથા ત્યાં આવી ચઢેલા અન્ય બે ઈસમોએ ભેગા મળી મનપા કર્મચારી નિતેષને મારમારી દીવાલ સાથે માથુ અફાડ્યું હતું અને ઈજાગ્રસ્ત હાલતમાં જ પોલીસ મથકમાં લઈ જવાના બહાને રિક્ષામાં અપહરણ કરી આખા શહેરમાં ફેરવ્યો હતો. આ બનાવમાં પરિણીતાએ વરાછા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી જ્યારે મનપા કર્મચારી નિતેષભાઈ છેડતીનો આક્ષેપ કરનાર મહિલા અને અન્ય બે ઈસમો વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. આ બંને ફરિયાદ આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.