(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થતાં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. તંત્ર દ્વારા રાંદેર, બેગમપુરા, ઝાંપાબજાર, સચીન, સુડા સેકટરને હોટ સ્પોટ ગણીને કોરોન્ટાઇન જાહેર કર્યા છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં રાંદેર વિસ્તારમાંથી કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. સોદાગરવાડની ૭૦ વર્ષીય વૃધ્ધાનો કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે. તેમના સમગ્ર ઘર અને આજુબાજુના મકાનો અને રસ્તાઓ પર સેનેટાઇઝીંગ કરી ડિસ ઇન્ફેકશનની કામગીરી કરી હતી. સમગ્ર પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં હોમ કોરોન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત બુધવારે એક દિવસના બાળકથી લઇ ૭૮ વર્ષના વૃધ્ધ મળી કુલ ૧૦ શંકાસ્પદ કેસો વિવિધ હોસ્પિટલોમાં દાખલ થયા છે. આ સાથે પોઝિટિવના ૨૩ કેસો નોંધાયા છે.
બુધવારે વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલા સોદાગરવાડની ૭૦ વર્ષીય ફાતિમાબેન.એચ. શરબતવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ તેમની મિશન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલાનો સર્વે હાથ ધરી તેમને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત પાલિકાએ સોદાગરવાડ અને ત્યાંના મુખ્ય રસ્તાઓ અને દર્દીના ઘરને સેનેટાઇઝરીંગ કરી ડિસ ઇન્ફકેશનનની કામગીરી શરૂ કરી છે. આમ સુરત શહેરમાં અત્યાર સુધી ૨૧ અને જિલ્લાના બે મળી કુલ ૨૩ પોઝિટિવ કેસો નોંધાયા છે. બુધવારે સુરત શહેરમાં વધુ ૧૦ શંકાસ્પદ કેસો દાખલ થયા છે. જેમાં લિંબાયત નિલગીરી સર્કલમાં રહેતા ૧ દિવસનું બાળક, પરવટ પાટીયામાં રહેતા સાત મહિનાના બાળકમાં લક્ષણો દેખાતા સિવિલમાં ખસેડાયા છે. આ ઉપરાંત બેગમપુરામાં મંગળવારે મૃત્યુ પામનારા રમેશચંદ્ર રાણાના ૪૦ વર્ષીય પુત્ર, રામપુરામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ચેપ લાગ્યા બાદ તેના સંપર્કમાં આવેલો ૨૭ વર્ષીય યુવકમાં પણ લક્ષણો દેખાતા બંનેને સિવિલમાં ખસેડાયા છે. મગોબમાં રહેતા ૭૮ વર્ષીય વૃદ્ધ, પુણાગામમાં રહેતા ૫૫ વર્ષીય આધેડ, ગોપીપુરામાં રહેતા બાવન વર્ષીય આધેડ, વીઆઈપી રોડ પર રહેતી ૮ વર્ષીય બાળકીને મિશન હોસ્પિટલમાં ખસેડાયા છે. પીપલોદમાં રહેતા ૬૪ વર્ષીય વૃધ્ધને શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આમ કુલ ૧૦ કેસો મળી અત્યાર સુધી ૨૩૯ કેસો નોંધાયા છે. જેમાંથી ૨૧૧ના રિપોર્ટ નેગેટિવ આવી ચુકયા છે. જ્યારે સાતના હજુ પણ રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે.