(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
આજે સુરત શહેર સહિત જિલ્લામાં કોરોના વાયરસના નવા ર૮૭ પોઝિટિવ દર્દીઓ નોંધાતા સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૭૩૬૩ નોંધાઈ હતી. સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને કતારગામ-વરાછા ઝોન વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ વધુ મળી રહ્યા છે. સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણની ચેન તોડવા માટે સુરત મહાનગરપાલિકાના મનપા કમિ. બંછાનિધિ પાની સહિત સમગ્ર આરોગ્ય તંત્ર દિવસ-રાત સતત દોડી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના સંક્રમણની ફેલાતી પદ્ધતિનો સતત અભ્યાસ કરીને વારંવાર લોકોને રોજબરોજ નવી નવી સૂચના અને અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય સચિવ ડૉ.જયંતી રવિ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણની સમીક્ષા કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે કોરોના વાયરસના ૨૦૫ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આજે કોરોના વાયરસના નવા વધુ ર૮૭ પોઝિટિવ દર્દી નોંધાતા સુરત શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીની કુલ સંખ્યા ૭૩૬૩ ઉપર પહોંચી ગઈ છે. સુરત શહેરમાં કોરોના પોઝિટિવ પૈકી કુલ ૩૦૨ દર્દી મોતને ભેટી ચૂક્યા છે. સુરત શહેરમાં અનલોક બાદ કોરોના વાયરસના સતત દર્દીઓ વધી રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા ૮૦ કેસ નોંધાયા
સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાયરસના નવા ૮૦ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. સુરત જિલ્લાના કામરેજ, ચોર્યાસી, ઓલપાડ, પલસાણા પંથકમાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધુ છે.