(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૫
સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલ સિપાઈ યુવતિને ડૉકટરની કથિત બેદરકારીને કારણે એક હાથ ગુમાવવાનો ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ગરીબ પરિવારની યુવતીને લાચાર બનાવી દેતી આ ઘટનામાં છ-છ મહિના પછી પણ પોલીસ કોઈ નક્કર પગલા ન ભરતી હોવાનું જણાવી મુમતાજબેન રમજાનભાઈ સિપાઈએ કલેકટર સમક્ષ ધા નાંખી છે. અને જો દિન ૧૦મા જવાબદાર ડૉકટરની ધરપકડ કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરી જીવન ટૂંકાવવાની ચીમકી આપી છે. કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અમારા પગના દુઃખાવાના કારણે જવાબદાર નર્સ તથા ફરજ પરના ડૉકટરો દ્વારા ડાબા હાથમાં ઈન્જેકશન આપેલ જેના લીધે મારે ડાબો હાથ કોણી સુધીનો કપાવવો પડેલ છે જે બાબતની સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરેલ છે. પરંતુ આજદિન સુધી ડૉકટરો સામે કોઈ પોલીસ કાર્યવાહી કે આ ગુનાના કામે ધરપકડ પણ કરવામાં આવેલ નથી. જેથી અમો ગરીબ બાઈ માણસને ન્યાય મેળવવા માટે આપને આ તાકીદે આખરી ફરિયાદ કરી રહ્યા છીએ. છ માસ વીતી ગયા હોવા છતાં આરોપી ડૉકટરોની કેમ અટક કરવામાં આવી નથી ? પોલીસ દ્વારા આરોપીને પુરતો ટાઈમ આપી અમારી ફરિયાદ રફેદફે કરવાનો અથવા તો ઉચ્ચ લાગવગ લાગડી હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે ડૉકટરોને પુરતો ટાઈમ આપવામાં આવી રહ્યો છે તેવું જાણવામાં આવેલ છે. એક હાથ વડે અમો કાંઈ મજૂરી કે ઘરકામ પણ કરી શકતા નથી. જેથી પરિવારને બે ટંક ખવડાવવાના પણ ફાંફા પડે છે જેથી મુમતાઝબેન સિપાઈએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારી છે કે દિન-૧૦માં જવાબદાર ડૉકટરોની ધરપકડ કરવામાં નહીં આવે તો હું સ્વેચ્છાએ મારૂં જીવન ટૂંકાવી લઈશ. ગુજરાતની કોઈપણ જિલ્લા કલેકટર કચેરીએ હું આત્મવિલોપન કરી મારૂં જીવન ટૂંકાવીશ.માનવ ભૂલનો ભેગ બનેલ આ મહિલાને ન્યાય મળે તે માટે જિલ્લા કલેકટર સત્વરે કાર્યવાહી કરે તે જરૂરી છે.