બિહાર પોલીસ પહેલાં પુરવાર કરે કે આ કેસ તેમના ન્યાય ક્ષેત્રમાં આવે છે : મુંબઈ પોલીસ • મુંબઈ પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે અને હવે અમે અમારી રીતે તપાસ કરીશું : બિહાર પોલીસ • અભિનેતાના પિતાએ બિહારમાં તાજેતરમાં પુત્રનાં મોત મામલે નવેસરથી ફરિયાદ નોંધાવતાં સુશાંતના કેસમાં દિન પ્રતિદિન નવા-નવા વળાંકો આવી રહ્યા છે
(એજન્સી) મુંબઈ/પટણા, તા.૩
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે શીત યુદ્ધ છેડેયાલું છે ત્યારે હવે આ કેસની તપાસ માટે મુંબઈ મોકલવામાં આવેલા બિહાર પોલીસના ઉચ્ચ અધિકારીને મુંબઈની પોલીસે બળજબરીપૂર્વક ક્વોરન્ટાઈન કરતાં સમગ્ર મામલાએ ગંભીર રૂપ ધારણ કરતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ટિપ્પણી કરવાની ફરજ પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અધિકારી સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી.
નીતિશ કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કોઈ રાજ્કીય મુદ્દો નથી. બિહાર પોલીસ તેમની ફરજ નિભાવી રહી છે. હવે અમારા રાજ્યના પોલીસ વડા વાત કરશે. કાયદા મુજબ અમારા રાજ્યની પોલીસ માત્ર પોતાનું કામ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બિહાર પોલીસના વડાએ ટિ્વટ કરી જણાવ્યું હતું કે, મુંબઈના સિવિક તંત્ર દ્વારા પટણાના આઈપીએસ અધિકારીને બળજબરીપૂર્વક આઈસોલેટ કરવામાં આવ્યા હતા. આઈપીએસ અધિકારી વિનય તિવારી રવિવારે સુશાંત કેસની તપાસ માટે પટણાથી મુંબઈ પહોંચ્યા હતા. બિહારના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુપ્તેશ્વર પાંડેએ ટિ્વટ કરી આઈપીએસ અધિકારીનો ફોટો પણ શેર કર્યો હતો. આ અધિકારીને ૧૫ ઓગસ્ટ સુધી આઈસોલેટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. ડીજીપીએ જણાવ્યું હતું કે, વિનતી છતાં તિવારીને આઈપીએસ મેસમાં ઉતારો આપવામાં આવ્યો ન હતો અને તેમને ગોરેગાંવના કોઈ ગેસ્ટ હાઉસમાં રૂમ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ મુંબઈ પોલીસના ચીફ પરમબિર સિંહે જણાવ્યું હતું કે, સહયોગ ન આપવાનો કોઈ સવાલ જ નથી. અમે એ વાતની તપાસ કરી રહ્યા છે કે, આ કેસ બિહાર પોલીસના ન્યાય ક્ષેત્રમાં આવે છે કે નહીં. જો આ તપાસ તેમના ન્યાય ક્ષેત્રમાં આવતી પણ હશે તો તેમણે પહેલાં આ વાત પુરવાર કરવી જોઈએ. સુશાંત મામલાની તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. અમારી ટીમ આ કેસના તમામ જરૂરી દસ્તાવેજો એકઠા કરવામાં લાગેલી છે. બિહારના આઈપીએસ અધિકારીને કોરોનાના નિયમો મુજબ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, એમ મુંબઈ સિવિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિનય તિવારીના ક્વોરન્ટાઈનના સ્ટેમ્પવાળો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, બિહાર પોલીસ પ્રોટોકોલનું પાલન કરી રહી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બિહાર પોલીસે આ કેસની તપાસ માટે મુંબઈ પોલીસને કોઈ માહિતી આપી ન હતી. મુંબઈ પહોંચ્યા બાદ તિવારીએ જણાવ્યું હતું કે, તેઓ સુશાંત કેસની તમામ એન્ગલથી તપાસ કરશે. મુંબઈ પોલીસ આ કેસની તપાસ પોતાની રીતે કરી રહી છે અને અમે હવે આ કેસની તપાસ અમારી રીતે કરીશું. અમે આ મામલે બોલિવૂડ હસ્તીઓની પણ પૂછપરછ કરીશું અને તેમના નિવેદનો નોધીશું. સુશાંતના ખાતામાંથી જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની દિશામાં હવે તપાસ ચાલી રહી છે.
મુંબઈ પોલીસે આ મામલે અત્યાર સુધી ૫૬ લોકોની પૂછપરછ કરી છે જેમાં અભિનેતાના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને સુશાંતના રસોઈઆની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, તમામ એન્ગલથી તપાસ ચાલી રહી છે જેમાં વ્યવસાયિક સ્પર્ધા, નાણાંકીય વ્યવહાર અને આરોગ્ય સહિતના મુદ્દા સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ જૂનના રોજ મુંબઈ ખાતેના પોતાના ફ્લેટમાંથી સુશાંત મૃત હાલતમાં મળી આવ્યો હતો તેના પરિવારે બિહાર પોલીસમાં આ મામલે નવેસરથી ફરિયાદ નોંધાવતાં આ કેસમાં હવે નવોે વળાંક આવ્યો છે.