(એજન્સી) મુંબઇ, તા.૨૧
શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ સોમવાર પેનિક-ડે રહ્યો હતો અને ઉંચા બપોર બાદ આવેલી ભારે વેચવાલીને પગલે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં મોટું ગાબડું પડતા રોકાણકારોની મૂડીમાં ધોવાણ થયુ હતુ. આજે સોમવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૧૨ પોઇન્ટના કડાકામાં ૩૮૦૩૪ અને નિફ્ટી ૨૫૪ પોઇન્ટ ઘટીને ૧૧૨૫૦ના સ્તરે બંધ થયો હતો. ટકાવારીની રીતે બંને બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ બેથી સવા બે ટકા સુધીનો કડાકો નોંધાયો છે.
સેન્સેક્સમાં આવેલા ૮૧૧ પોઇન્ટના કડાકાના પગલે રોકાણકારોને ફરીવાર રોવાનો વાર આવ્યો હતો. આજે બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સની કુલ માર્કેટકેપ રૂ.૪.૨૪ લાખ કરોડ ઘટીને રૂ. ૧૫૪.૭૬ લાખ કરોડ થઇ છે. જો બીજા શબ્દોમાં કહીયે તો શેરબજારના રોકાણકારોની મૂડીમાં આજે રૂ. ૪.૨૪ લાખ કરોડનું ધોવાણ થયુ છે. શેરબજારમાં આવેલા આજના કડાકામાં બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં રિયલ્ટી, ટેલિકોમ, મેટલ, ઓટો, એફએમસીજી ઇન્ડેક્સમાં ૫.૭થી ૩ ટકા સુધીનો કડાકો બોલાયો હતો. આજની સાર્વત્રિક વેચવાલીના પેનિક વચ્ચે બીએસઇ મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ સાડા ત્રણ ટકા જેટલા ખરડાયા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ બ્લુચિપ સ્ટોક અને નિફ્ટીના ૫૦માંથી ૪૭ બ્લુચિપ સ્ટોક રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, એમએન્ડએમ, આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક ૮.૫૭ ટકા ઘટીને ૫૬૦.૮૦ પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ ૫.૯૫ ટકા ઘટીને ૪૬૭.૧૫ પર બંધ રહ્યો હતો. જોકે ટીસીએસ, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટીસીએસ ૦.૫૭ ટકા વધીને ૨૪૬૪.૬૦ પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા ૦.૮૬ ટકા વધીને ૧૨૮૯.૩૫ પર બંધ રહ્યો હતો. આ પહેલાં શુક્રવારે સેન્સેક્સ ૧૩૪.૦૩ અંક ઘટીને ૩૮૮૪૫.૮૨ પર અને નિફ્ટી ૧૧.૧૫ અંક ઘટીને ૧૧૫૦૪.૯૫ પર બંધ રહ્યો હતો. ગત સપ્તાહમાં બજારમાં આઈટી અને ફાર્મા શેરમાં વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે ફાર્મા ઈન્ડેક્સ ૫ ટકા વધી ૧૨૩૨૦.૩૦ના સ્તરે બંધ થયો હતો. ડો.રેડ્ડીના શેરમાં ૧૦ ટકા અને સિપ્લાના શેરમાં ૭ ટકા વધારો રહ્યો હતો. જ્યારે મોટા ભાગના બેન્કિંગ સ્ટોક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. એચડીએફસી બેન્કના શેરમાં ૨.૨૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.