(એજન્સી) તા.૨૯
અસંમત નેતાઓ અને કેન્દ્રીય નેતાગીરી વચ્ચેના મતભેદોનું નિરાકરણ લાવવા કોંગ્રેસ કારોબારી સમિતિએ નિર્ધાર કર્યાના એક સપ્તાહ બાદ ભારતના સૌથી જૂના પક્ષમાં યુદ્ધ શમી ગયું હોય એવું દેખાતું નથી. છેલ્લા બે દિવસની ઘટનાઓ નિર્દેશ આપે છે કે પક્ષના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પક્ષ પર ગાંધી પરિવારની પક્કડ વધુ મજબૂત બનાવવા ઝડપી કાર્યવાહી કરી છે. ભારતીય રાજકારણ પર ભાજપના આધિપત્ય દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે પક્ષમાં લોકતાંત્રિક બદલાવની અપીલ કરતો ૨૩ વરિષ્ઠ નેતાઓના પત્રના પગલે કોંગ્રેસ કારોબારી સમિતિએ સ્વીકાર્ય એવા ઉકેલ માટે ઠરાવ પાસ કર્યો હતો. સામૂહિક નેતાગીરી માટે અનુરોધ કરનાર આ પત્રને ઘણાએ સંસ્થાકીય બાબતમાં સોનિયાની સત્તાને સીધા પડકારરુપ ગણ્યો હતો અને રાહુલ ગાંધી ભવિષ્યમાં પક્ષનું સર્વોચ્ચ પદ મેળવતાં અટકે તે માટેની તકેદારીના પગલારુપેની હિલચાલ તરીકે જોવામાં આવ્યો છે. બુધવારે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારના ઘણા વટહુકમો પર પક્ષનું વલણ અખત્યાર કરવા માટે તમામ ગાંધી પરિવારના વફાદારોની આ કમિટીમાં નિમણૂંક કરી હતી જેમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમ, મ.પ્ર.ના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહ, પૂર્વ પર્યાવરણ પ્રધાન જયરામ રમેશ, અમરસિંહ અને ગૌરવ ગોગોઇનો સમાવેશ થાય છે. ગુરુવારે સોનિયા ગાંધીએ પક્ષની સંસદીય જગ્યાઓ પર શ્રેણીબદ્ધ નિમણૂંકો કરી હતી. તેમણે રાજ્યસભામાં ગુલામનબી આઝાદ, કપિલ સિબ્બલ અને આનંદ શર્મા જેવા વરિષ્ઠ નેતાઓની ઉપેક્ષા કરીને મુખ્ય વ્હિપ તરીકે જયરામ રમેશની નિમણૂંક કરી હતી. આ ઉપરાંત સોનિયા ગાંધીએ રાજ્યસભામાં પક્ષની ચર્ચા અંગે રણનીતિ ઘડવા અંગે નિમેલી સમિતિના વડા તરીકે અહેમદ પટેલ અને પક્ષના મહામંત્રી કે સી વેણુગોપાલની નિમણૂંક કરી હતી. આમ સોનિયા ગાંધી કોંગ્રેસ પર પોતાની પક્કડ મજબૂત બનાવી રહ્યાં છે પરંતુ આ રણનીતિ એક માત્ર હંગામી ઉકેલ છે, પરંતુ સંતોષકારક ઉકેલ નથી.