અમદાવાદ, તા. ૧૪
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક એ.કે. ગુપ્તાએ આજે ભાવનગર ડિવિઝનના સોમનાથ-ભક્તિનગર રેલ સેકશનનું વાર્ષિક નિરીક્ષણ કરેલ. આ દરમ્યાન સોમનાથ સ્ટેશન પર રેલ સુરક્ષા બળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. ગુપ્તા દ્વારા સોમનાથ સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવેલ. વેરાવળમાં તેમણે રનિંગ રૂમ, કોલોની, પિટ લાઈન અને હેલ્થ યુનિટનું નિરીક્ષણ કરેલ. જૂનાગઢમાં તેમણે મેકેનઈઝડ લોન્ડ્રી અને સ્ટેશનનું નિરીક્ષણ કરેલ. તે ઉપરાંત તેમણે જેતલસર અને ગોંડલ સ્ટેશનોનું પણ નિરીક્ષણ કરેલ. જૂનાગઢમાં ગુપ્તાએ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા અને દેવાભાઈ માલમ, ગોંડલમાં ગીતાબા જાડેજાથી પણ સૌજન્ય ભેટ કરેલ. વાર્ષિક નિરીક્ષણ દરમ્યાન ગુપ્તાએ સ્ટેશનો પર યાત્રી સુવિધાઓની સાથે માનવ રહિત લેવલ ક્રોસિંગ ફાટકો, મેજર અને માઈનોર બ્રિજ વળાંક, ટ્રેક વગેરેનું પણ સઘન નિરીક્ષણ કરેલ અને રેલ વિકાસ નિગમ લિમીટેડ દ્વારા સંચાલિત પાંચ ગેજ પરિવર્તન પ્રોજેક્ટોની સમીક્ષા અને તેમને જલ્દી પૂર્ણ કરવાના નિર્દેશ પણ આપેલ. તેમણે પ્રેસ અને મીડિયાના પ્રતિનિધિ, માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ, વેપાર મંડળો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને બહુમૂલ્ય મંતવ્ય મેળવેલ. આ વાર્ષિક નિરીક્ષણ દરમ્યાન ગુપ્તાની સાથે મુખ્ય કાર્યાલયના મુખ્ય અધિકારી ડિવિઝન રેલવે મેનેજર સુશ્રી રૂપા શ્રીનિવાસન, ડિવિઝન કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને સિનીયર અધિકારી, કર્મચારીઓ પણ સાથે હતા.