“સૌની યોજના” માટે છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારે કેન્દ્ર પાસે માંગ્યા ૩ર૦૦ કરોડ, મળી લોલીપોપ !

ગાંધીનગર, તા.ર૩
રાજ્યમાં પાણીનો પ્રશ્ન હલ કરવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અનેકવાર પોતાના ભાષણોમાં વાતો કરી હતી. જો કે તેમની પેટ પ્રોજેક્ટ ગણાતી “સૌની યોજના” માટે મોદી પીએમ બન્યા પછી પણ કેન્દ્ર સરકાર માટે પૈસા નથી. તેવું ખુદ રાજ્ય સરકારે જ સ્વીકાર્યું છે. તાજેતરમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આપવામાં આવેલા લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, રૂપાણી સરકારે છેલ્લા બે વર્ષમાં સૌની યોજના માટે અલગ-અલગ તબક્કે રૂા.૩ર૦૦ કરોડની માગણી કરી છે. જો કે આ માગણીમાંથી કેન્દ્ર સરકારે હજુ સુધી એક પણ પૈસો આપ્યો નથી.
વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા દ્વારા પૂછવામાં આવેલ સવાલ જવાબમાં રાજ્યના જળસંસાધન મંત્રીએ લેખિત જવાબ આપતા કહ્યું કે, ઓક્ટોબર ર૦૧૬થી ડિસેમ્બર ર૦૧૭ સુધીમાં રાજ્ય સરકારે સૌની યોજના માટે કેન્દ્ર પાસેથી રૂા.૩ર૦૦ કરોડ માગ્યા હતા. જે પૈકી હજુ સુધી એકપણ રૂપિયો રાજ્યને મળ્યો નથી. જો કે જળસંસાધન મંત્રીએ કહ્યું કે રાજ્યની આ પ્રોપ્રોઝલ કેન્દ્ર સરકારમાં હાલ સ્ફ્રૂટીની અંતર્ગત હોઈ ફંડ મળવાનો કે ન મળવાનો મુદ્દો હજુ સુધી ઉઠ્યો નથી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય જળબોર્ડના એક્સટર્નલ આસિ. કમિશનર દ્વારા આ પહેલાં પણ સૌની યોજનાના કેટલાક ટેકનિકલ પોઇન્ટ અંગે સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાત સરકારે એઆઈપીબી (એક્સિલેરેટેડ ઈરીગેશન બેનિફિટ્‌સ પ્રોગ્રામ) હેઠળ સૌની યોજના માટે ૬,૩૯૯૯ કરોડ રૂપિયાની માગણી કરી હતી. જેના પર કેન્દ્રની ટેકનિકલ ઓથોરિટી સેન્ટ્રલ વોટર કમિશને સૌની યોજના પ્રોજેક્ટની ફિઝિબિલિટી અંગે અનેક સવાલ ઉઠાવીને નેગેટિવ ઓપિનિયન આપ્યો હતો.
અત્રે નોંધનીય છે કે સપ્ટેમ્બર ર૦૧રમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્ય વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં જ સૌની યોજના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પાણીની અછત ધરાવતા ૭ જિલ્લાના કુલ ૧૧પ ડેમને નર્મદાના નીરથી ભરવાની રાજ્ય સરકારે નેમ લીધી હતી. જે માટે ૧૧પ કિમીની લિંક પાઈપલાઈન પણ રાજ્યના તમામ વિસ્તારોમાં ફેલાવવાનો પ્લાન રજૂ કર્યો હતો. ર૦૧રમાં યોજના જાહેર કરતા વખતે અંદાજિત ખર્ચ રૂા.૧૦૦૦૦ કરોડ આંકડામાં આવ્યો હતો. જો કે રાજ્ય સરકારે સમગ્ર યોજનાનો ખર્ચ રિવાઈઝડ કરીને રૂા.૧૮૦૦૦ કરોડ નક્કી જાહેર કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks