શાળા સંચાલકો અને વાલીઓનું હિત જળવાય તે મુજબ નવો પરિપત્ર કરવા સરકારને આદેશ
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.પ
કોરોનાની મહામારી વચ્ચે શૈક્ષણિક કાર્ય ઠપ થઈ જતાં ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે સ્વનિર્ભર શાળાઓ ફી વસૂલી શકે કે કેમ ? તે અંગે આજે હાઈકોર્ટે શાળા સંચાલકો અને વાલીઓ બંનેનું હિત જળવાઈ રહે તે મુજબનો પરિપત્ર કરવા સરકારને ટકોર કરી જણાવ્યું છે કે, સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે સાથે જ ટ્યૂશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઈ શકે તેવા નિર્દેશ આપ્યા છે. ઓનલાઈન શિક્ષણ બાબતે હાઈકોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, સ્કૂલોની સંપૂર્ણ ફી માફીનો નિર્ણય વધુ પડતો છે સરકારી સ્કૂલ સંચાલકો સાથે વાટાઘાટો કરી સૌના હિતમાં નિર્ણય લઈ ટ્યૂશન ફી મુદ્દે નવો ઠરાવ પ્રસિદ્ધ કરે. હાઈકોર્ટએ રાજ્ય સરકારને ફી મુદ્દે નવો પરિપત્ર બહાર પાડવા આદેશ કર્યો છે. ફી અંગેના સરકારના નિર્ણયને સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો તેને લઈને અગાઉ જ્યાં સુધી સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન લેવાના સરકારના પરિપત્રને હાઈકોર્ટએ રદ્દ કર્યો હતો. હવે વાલીઓ અને સંચાલકોને સરકાર સાંભળીને આગામી દિવસોમાં કોર્ટમાં નવો પરિપત્ર સરકાર રજૂ કરશે. વાલી મંડળ તરફથી આ પિટિશન હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. વાલી મંડળના વકીલે હાઈકોર્ટના નિર્ણયને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ગણાવ્યો હતો. ઓનલાઈન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને સરકાર અનુસરશે. વાસ્તવિક રીતે શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ શાળાઓ ફી લઈ શકશે નહીં. પ્રાઈમરીમાં નાના બાળકો માટે રિશેષ સાથેના બે શેસન રાખવા તાકીદ કરાઈ છે. પ્રિ-પ્રાઈમરીમાં ઓનલાઈન શિક્ષણને લઈને વાલીઓને હાજરી આપવા સાથે ૩૦ મિનિટ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે. માધ્યમિક માટે રિશેષ સાથેના ચાર શેસન રાખવા તાકીદ કરાઈ છે. શાળાઓએ પ્રી રેકોરડેડ મટીરિયલ મોકલવાનું રહેશે. ૩૦થી ૬૦ મિનિટ બાદ રિશેષ રાખવી ફરજિયાત રહેશે. રાજ્ય સરકારના પરિપત્રને કોર્ટે માન્ય રાખ્યો છે જો કે, તેમાં સંપૂર્ણ ફી માફી ના રહેલા મુદ્દાને લઈને સરકારને નવો પરિપત્ર જાહેર કરવા કહ્યું છે અને તે માટે શાળા સંચાલકો સાથે બેસી સમાધાનકારી વલણ અપનાવવા તથા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોના હિતમાં નિર્ણય લેવા હાઈકોર્ટે કહ્યું છે. રાજ્યમાં હાલમાં કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે તેવામાં સરકારે ખાનગી શાળાઓને જ્યાં સુધી શાળા ન ખૂલે ત્યાં સુધી ફ્રીમાં એજ્યુકેશન આપવાનો આદેશ આપ્યો હતો. એટલે કે શાળાઓ ન ખૂલે ત્યાં સુધી ફી ન લેવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સરકારના પરિપત્ર વિરૂદ્ધ શાળાઓએ ઓનલાઈન એજ્યુકેશન આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો. વળી શિક્ષણ ન બગડે તે માટે ફરી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરી અને હાઈકોર્ટમાં સરકારના ચુકાદાને પડકાર્યો હતો. આ મામલે પ્રથમ સુનાવણીમાં હાઈકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી ન લેવાનો પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો હતો અને સરકાર તેમજ શાળાને સાથે રહીને સમાધાન લાવવા માટે કહ્યું હતું.