નવી દિલ્હી,તા.૪
સ્ટાર ઇન્ડિયાએ હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગના ટીવી અને ડિજિટલ બ્રોડકાસ્ટના મીડિયા અધિકાર આખરે મેળવી લીધા છે. મીડિયા અધિકારને સ્ટાર ઇન્ડિયાએ ૧૬૩૪૭.૫૦ કરોડમાં ખરીદી લેતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આ પહેલા આઇપીએલના મીડિયા અધિકાર સેનીની પાસે હતા. હવે વર્ષ ૨૦૧૮થી લઇને વર્ષ ૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે આઇપીએલના મીડિયા અધિકાર સ્ટાર ઇન્ડિયાની પાસે રહેશે. આઇપીએલના ભારતીય મહાદ્ધિપ અને ગ્લોબલ માર્કેટમાં બ્રોડકાસ્ટ અને ડિજિટલ બ્રોડક્કાસ્ટના આગામી પાંચ વર્ષના અધિકાર માટે આજે ભારે ઉત્સુકતા વચ્ચે બોલી લગાવવામા આવી હતી. બોલીમાં ભાગ લેવા માટે સહમતી દર્શાવનાર કુલ ૨૪ નામ પૈકી માત્ર ૧૪ નામ જ બોલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. યાહુ, એમેઝોન અને ઇએસપીએન ડિજિટલે ભાગ લીધો ન હતો. ડિજિટલ રાઇટ્સ માટે ટાઇમ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જિયો, એરટેલ, અને ફેસબુકો પણ બોલી લગાવી હતી. પરંતુ આખરે સ્ટાર ઇન્ડિયાએ તમામ હરિફોને પછડાટ આપીને ટીવીની સાથે સાથે બ્રોડકાસ્ટના અધિકાર મેળવી લીધા છે. આ બાબતની જાહેરાત બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી દ્વારા કરવામાં આવી હતી. આઇપીએલના મિડિયા રાઇટ્સ મળ્યા બાદ સ્ટાર ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકરે કહ્યુ હતુ કે અમે માનીએ છીએ આઇપીએલ એક ખુબ મોટી અને શક્તિશાળી પ્રોપર્ટી બની રહી છે. તેમને લાગે છે કે ક્રિકેટ ચાહકો માટે ડિજિટસ અને ટીવીના ક્ષેત્રમાં કેટલાક પગલા લઇ શકાય છે. અમે ક્રિકેટની શક્તિ મારફતે દેશમાં રમતના વિકાસની ખાતરી કરવા માટે તૈયાર છીએ. વર્ષ ૨૦૦૮માં સોની પિકચર્સે ૮૨૦૦ કરોડમાં ૧૦ વર્ષ માટે આઇપીએલના મીડિયા અધિકાર ખરીદી લીધા હતા. વર્ષ ૨૦૧૫માં આઈપીએલના ગ્લોબલ ડિજિટલ અધિકારોને ૩૦૨.૨ કરોડમાં ત્રણ વર્ષ માટે નોવી ડિજિટલને આપીદેવામાં આવ્યા હતા. આઇપીએલ હવે એક શક્તિશાળી પ્રોપર્ટી બની ચુકી છે. લંચના ઇન્ટરવેલ માટે જાહેરાત કરવામાં આવે તે પહેલા આ અધિકારો મેળવી લીધા હતા. ટીવી અધિકારો માટે સ્ટાર અને સોની પિક્ચર્સ નેટવર્ક મજબૂત દાવેદાર હતા જ્યારે ડિજિટલ અધિકારો માટે ટાઇમ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જીઓ, એરટેલ અને ફેસબુસ મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા.