સ્થાનિક ચૂંટણીના સંદર્ભમાં નિરીક્ષકોની કામગીરી શરૂ

અમદાવાદ, તા.૧૦
આગામી સમયમાં યોજાનાર ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત અને ૦૨ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા નિમાયેલા બેઠક દીઠ નિરીક્ષકોએ કામગીરી આજથી પ્રારંભી દીધી છે. આ નિરિક્ષકો પૈકી જિલ્લા પ્રભારી, પ્રદેશ ઇન્ચાર્જ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને પ્રદેશ દ્વારા નિયુક્ત નિરિક્ષક મહિલા એમ કુલ ચાર સભ્યો બેઠક દીઠ સેન્સ લેશે અને તેની માહિતી પ્રદેશ સંગઠનને સોંપશે. આ કામગીરી ૧૦-૧૧-૧૨ જાન્યુઆરી આમ ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં યોજાનાર ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત શાંતિ, એકતા અને વિકાસ માટે ગ્રામ પંચાયતોને સમરસ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અપીલ કરી છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના લોકસેવા અને લોકસંપર્કના કાર્યક્રમો આગામી સમયમાં યોજાનાર છે તે પૈકી ૧૨મી જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મજ્યંતિ નિમિત્તે ગુજરાતના ૫૮૬ મંડલોમાં ભાજપા યુવા મોરચા દ્વારા સ્વામિ વિવેકાનંદ વંદન કાર્યક્રમ યોજાશે અને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી દિવસોમાં ચૂંટણીઓ થનાર છે તે સ્થળોએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. ૧૪મી જાન્યુઆરીના રોજ ગુજરાતભરની સેવા વસ્તીઓમાં બાળકો અને ભુલકાઓને યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ કરાશે. સુભાષચંદ્ર બોઝ જન્મજ્યંતિ નિમિત્તે સમગ્ર જિલ્લા-મહાનગરોમાં વિવિધ સ્થળોએ ૧૬મી જાન્યુઆરીથી ૨૪મી જાન્યુઆરી સુધી રક્તદાન શિબિર યોજાશે.ત્યારબાદ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સામાજિક સમરસતા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks