સ્થાનિક પ્રજા, વેપારીઓ કે સંસ્થાઓ ન જોડાતાં રેલી સાવ ફિક્કી બની રહી

પાટણ, તા.૧૪
પાટણ નગરપાલિકા દ્વારા આગામી વર્ષથી તમામ વેરાઓમાં બમણો વધારો કરતા આજે શહેર ભાજપ દ્વારા હિંગળાચાચર ચોકથી જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી હિંગળાચાચરથી નગરપાલિકા ખાતે આવી હતી પરંતુ આ રેલીમાં શહેરની આમ પ્રજા કે વેપારીઓ, અન્ય નાગરિકો કે સંસ્થાઓ નહીં જોડાતા ભાજપની આ જનઆક્રોશ રેલી સાવ ફિક્કી બની હતી.
પાટણ પાલિકા દ્વારા પાણી વેરો, ભૂગર્ભ ગટર વેરા સહિતના અન્ય વેરામાં બેથી ત્રણ ગણો વધારો કરવાની દરખાસ્ત કરી સા.સભામાં તેને મંજૂર કરવાના વિરોધમાં આજે શહેર ભાજપા દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપની આજે નીકળેલી જનઆક્રોશ રેલીને આમ પ્રજાએ સમર્થન આપ્યું હોય તેમ કોઈ નાગરિક, વેપારી કે અન્ય સંસ્થાઓ વગેરે રેલીમાં નહીં જોડાતા ભાજપાની જનઆક્રોશ રેલી માત્ર ભાજપાના કાર્યકરોની બની રહી હતી. આ રેલી નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા બાદ ભાજપાના અગ્રણીઓ દ્વારા પાલિકાના પ્રમુખને આવેદનપત્ર સુપરત કરી વેરો વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.
ભાજપાના સભ્યોએ પાલિકા પરિસર ખાતે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા રોજમદાર કર્મચારીઓની મુલાકાત લઈ તેઓની રજૂઆત સાંભળી હતી. આ કર્મચારીઓ દ્વારા એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો માંગ નહીં સંતોષાય તો કર્મચારીઓ આત્મવિલોપન કરતા પણ ખચકાશે નહીં. આ ચીમકીને અનુલક્ષીને પાલિકા ખાતે પોલીસ બંદોબસ્તની સાથે-સાથે ફાયર ફાઈટર પણ ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts