ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને વધારાના સમયમાં ૧-૦થી હરાવી બીજો ખિતાબ જીત્યો, ફેરન ટોરેસનો ગોલ નિર્ણાયક બન્યો, આર્જેન્ટિનાના ૩૯ વર્ષીય કેપ્ટન લિયોનેલ મેસી હાર બાદ મેદાન પર ભાવુક થઈ રડી પડ્યો, મેસીએ વર્લ્ડ કપની ૩ ફાઇનલ રમવાનો અને સૌથી મોટી ઉંમરનો આઉટફિલ્ડર બનવાનો રેકોર્ડ બનાવ્યો
તા.૨૦
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની રવિવારે (૧૯મી જુલાઈ) ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને વધારાના સમયમાં ૧-૦થી હરાવીને પોતાનો બીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીતી લીધો છે. આ સાથે જ આર્જેન્ટિનાનું સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. મેચ સમાપ્ત થતાં જ સ્ટેડિયમમાં અત્યંત ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. આર્જેન્ટિનાના ૩૯ વર્ષીય દિગ્ગજ કેપ્ટન લિયોનેલ મેસી અંતિમ સીટી વાગતાની સાથે જ મેદાન પર ઘૂંટણિયે પડી ગયો હતો અને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ “મેસ્સીપ મેસ્સીપ”ના નારા લગાવીને અને પ્લેકાડ્ર્સ લહેરાવીને પોતાના આ મહાન ખેલાડીને ભાવનાત્મક વિદાય આપી હતી. નિર્ધારિત ૯૦ મિનિટ સુધી બંને ટીમો એકપણ ગોલ નોંધાવી શકી નહોતી, જેથી મેચ વધારાના સમયમાં પહોંચી હતી. વધારાના સમયમાં સ્પેનના સબસ્ટિટ્યુટ ખેલાડી ફેરન ટોરેસે રિબાઉન્ડ બોલ પર અદ્ભુત ગોલ કરીને સ્પેનને ૧-૦થી સરસાઈ અપાવી હતી. આ ગોલ જ મેચનો નિર્ણાયક ક્ષણ સાબિત થયો અને સ્પેને બીજી વખત વર્લ્ડ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો. આર્જેન્ટિના માટે ઈંજરી ટાઈમમાં પરિસ્થિતિ વણસી હતી જ્યારે મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ મળતા રેડ કાર્ડ બતાવી બહાર મોકલાયો હતો. ત્યારબાદ લિયોનેલ સ્કેલોનીની ટીમને ૧૦ ખેલાડીઓ સાથે રમવાની ફરજ પડી હતી. સ્પેને આ બાબતનો પૂરો ફાયદો ઉઠાવી સતત દબાણ જાળવી રાખ્યું હતું. આર્જેન્ટિનાની ટીમ ૧૧૫મી મિનિટ સુધી ગોલ પર એકપણ શોટ મારી શકી નહોતી. ભલે આર્જેન્ટિના ટ્રોફી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હોય, પરંતુ લિયોનેલ મેસીએ ફાઇનલ મેચમાં રમીને વધુ એક નવો ઈતિહાસ રચ્યો હતો. મેસી ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રણ ફાઇનલ રમનાર વિશ્વનો માત્ર બીજો ખેલાડી બન્યો છે. ૩૯ વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર સૌથી મોટી ઉંમરનો આઉટફિલ્ડ ખેલાડી પણ બન્યો છે.