સ્પોર્ટમેન સ્પીરીટનો જોરદાર નજારો ! ૩-૦થી હારેલી અફઘાની ટીમનો કેપ્ટન ભારતીયોની ઉજવણીમાં જોડાયો

 

તા.૧૮
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો હંમેશાંથી સૌહાર્દપૂર્ણ રહ્યા છે. તાજેતરમાં રમાયેલી ટી-૨૦ સીરિઝમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું હતું. સીરિઝની છેલ્લી અને ત્રીજી ટી-૨૦ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ભારતે ૧૨૭ રનોથી વિજય મેળવ્યો હતો. આ ભવ્ય જીત બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ખેલદિલીનું અદ્‌ભૂત ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું, જેની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. સીરિઝ ગુમાવવાના કારણે અફઘાનિસ્તાનના કેપ્ટન ઇબ્રાહિમ જાદરાન ખૂબ જ નિરાશ હતા. આવા સમયે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટ્રોફી સેલિબ્રેશન દરમિયાન અફઘાનિસ્તાનના કેપ્ટનને પોતાની સાથે સ્ટેજ પર આમંત્રિત કર્યા અને તેમની હોંસલા અફજાઈ કરી. અય્યરે માત્ર તેમને ટ્રોફી સાથેના વિજયી ઉજવણીમાં સામેલ જ ન કર્યા, પરંતુ તેમની સાથે ફોટા પણ ક્લિક કરાવ્યા. અય્યરના આ વર્તનની સરખામણી ભૂતકાળમાં ભારતીય ખેલાડી અજિંક્ય રહાણે દ્વારા બતાવાયેલી ખેલદિલી સાથે કરવામાં આવી રહી છે. અગાઉ જ્યારે અફઘાનિસ્તાને તેની ક્રિકેટ ઇતિહાસની પહેલી ટેસ્ટ મેચ ભારત વિરૂદ્ધ રમી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે તત્કાલીન કેપ્ટન અજિંક્ય રહાણેએ અફઘાનિસ્તાનની આખી ટીમને ભારતીય ટીમ સાથે વિજયી ઉત્સવમાં સામેલ થવા માટે આમંત્રિત કરી હતી. અય્યરે પણ એ જ મૈત્રીપૂર્ણ પરંપરાને આગળ વધારી છે. આ છેલ્લી ટી-૨૦ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા ૨૨૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અભિષેક શર્માની તોફાની સદીઃ ઓપનર અભિષેક શર્માએ માત્ર ૩૦ બોલમાં જ વિસ્ફોટક સદી ફટકારીને ટેસ્ટ પ્લેઇંગ નેશનના ખેલાડી તરીકે સૌથી ઝડપી ટી-૨૦ સદી નોંધાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ૧૦૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. સંજૂ સેમસનનું શાનદાર પ્રદર્શનઃ અભિષેક સાથે ઓપનિંગ કરતા સંજૂ સેમસને પણ પોતાની સતત બીજી ફિફ્ટી ફટકારી હતી.અફઘાનિસ્તાનની હારઃ ૨૨૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની પૂરી ટીમ માત્ર ૯૪ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ટી-૨૦ ક્રિકેટમાં અફઘાનિસ્તાનની આ સૌથી મોટી હાર છે. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઈએ ૩-૩ વિકેટ ઝડપી હતી.
શાનદાર સદી ફટકારવા બદલ અભિષેક શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. મેચ અને સીરિઝની જીત કરતાં પણ શ્રેયસ અય્યર દ્વારા અફઘાનિસ્તાની કેપ્ટનને આપવામાં આવેલું માન-સન્માન આખી સીરિઝનું સૌથી મોટું આકર્ષણ બની રહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks