હજ ઉપરાંત ભારત સરકાર ઘણા બધા યાત્રિકોને વિવિધ રીતે સબસિડી આપે છે જેમાં મોટાભાગના હિન્દુઓ જ છે

(એજન્સી) તા.૧૭
પ્રત્યેક વર્ષે આપણા દેશમાં હજ સબસિડી બાબત પ્રશ્નો ઉઠાવાય છે અને ચર્ચાઓ થાય છે. સરકાર એર ઈન્ડિયા દ્વારા હજ કરવા જતા મુસ્લિમોને સબસિડી આપે છે. એ સબસિડી બંધ કરવી જોઈએ, નાણાંકીય રીતે એ પોસાય છે અથવા શું એ ભારતના બિનસાંપ્રદાયિક માળખા સાથે સમજૂતી કરવા ચાલુ રખાઈ છે. ઈસ્લામ ધર્મમાં સઉદી અરબ ખાતે આવેલ મક્કા જઈ હજ કરી આવવી પવિત્ર માનવામાં આવે છે અને પ્રત્યેક મુસ્લિમે પોતાના જીવન દરમિયાન ઓછામાં ઓછી એક વખત હજ પઢવી જોઈએ જેને પવિત્ર ગણાય છે. સઉદી અરબ પોતાના દેશમાં હજ માટે આવનાર મુસ્લિમોની સંખ્યા નિર્ધારિત કરે છે. છેલ્લા ત્રણ દાયકાથી ભારતના કવોટામાં વધારો થયો છે. સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયે સબસિડી આપવા બાબત પુનર્વિચાર કરવા એક કમિટીની રચના કરી છે. સરકાર કહી રહી છે કે અમે સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. સુપ્રીમકોર્ટે ર૦૧રના વર્ષમાં જણાવ્યું હતું કે આવનાર ૧૦ વર્ષ સુધી સબસિડી બંધ કરવી જોઈએ. સરકાર જે રીતે સબસિડી આપે છે એના સંદર્ભે પણ પ્રશ્નો થયા છે. એવો દાવો કરવામાં આવે છે. નાણાં હજ કમિટીને આપવામાં આવે છે જે કોમના નેતાઓને રાજકીય વગ મુજબ આપવામાં આવે છે. અમુક લોકો કહે છે કે, નાણાંની ફાળવણી અને વિતરણમાં અનિયમિતતાઓ થાય છે. અન્ય ઘણા બધા લોકો કહે છે કે આ સબસિડી ફકત નામ પૂરતી જ છે. સરકારના એક વિભાગમાંથી નાણાં બીજા વિભાગમાં ફેરબદલ કરાય છે જે લોકોને સબસિડી અપાય છે એમને સબસિડી ફકત ભાડામાં અપાય છે એ પણ એ શરતે કે એમણે એર ઈન્ડિયા દ્વારા જ મુસાફરી કરવાની છે. ર૦૧૬ના વર્ષમાં મુંબઈથી હજ કરવા જનાર યાત્રિકોને ૪પ હજાર કન્સેશન અપાયું હતું. છેલ્લા એક દાયકાથી હજ સબસિડીને યુપીએ સરકારે મુસ્લિમોને પ્રસન્ન રાખવા ચાલુ રાખે છે. એ પ્રકારની વાતો થાય છે. જો કે, મુસ્લિમ કોમમાંથી એના માટે આલોચનાઓ કરવામાં આવે છે. આ અઠવાડિયે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, હજ સબસિડી માટે જે ૪પ૦ કરોડ રૂપિયા અપાય છે એના બદલે સરકારે મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે આ રકમ વાપરવી જોઈએ.
ફકત હજ જ નહીં : હજ માટે અપાતી સબસિડી માટે આટલી બધી ચર્ચાઓ અને વાંધાઓ ઉઠાવવામાં આવે છે પણ લોકોનું અન્ય બાબતો તરફ ધ્યાન જતું જ નથી. ભારત સરકાર અન્ય યાત્રિકો માટે પણ ઘણો બધો ખર્ચ સીધી કે આડકતરી રીતે કરે છે એની તરફ કોઈ જોતું પણ નથી. એમનામાંથી એક મુખ્ય છે કે કુંભ મેળો જે હરિદ્વાર, નાસિક, અલ્હાબાદ અને ઉજ્જૈનમાં દર ત્રણ વર્ષે યોજાય છે. લાખો લોકો આ મેળામાં આવે છે. એમને સગવડો મળી રહે. એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કરોડો રૂપિયા મેળાના આયોજન, સુરક્ષા માટે કરે છે. દાખલા તરીકે ર૦૧૪ના વર્ષમાં અલ્હાબાદમાં કુંભ મેળો યોજાયો હતો જેમાં કેન્દ્ર સરકારે ૧૧પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને ઉત્તરપ્રદેશ સરકારે ૧૧ કરોડ રૂપિયા આપ્યા હતા. વિપક્ષોનું કહેવું હતું કે આ નાણાંમાંથી ૮૦૦ કરોડ રૂપિયાનો દુરૂપયોગ કરાયો હતો. ગયા વર્ષે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે ૧૦૦ કરોડ રૂપિયા મધ્યપ્રદેશને સિંહસ્થ કુંભ મેળા માટે આપ્યા હતા જે મેળો ઉજ્જૈનમાં દર ૧ર વર્ષે યોજાય છે. રાજ્ય સરકારે આના માટે ૩૪૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. અન્ય તીર્થયાત્રામાં કેન્દ્ર સરકાર કૈલાશ માનસરોવર યાત્રા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. સરકાર દ્વારા જ આ યાત્રાનું આયોજન કરાય છે અને યાત્રિકોની સગવડતાઓ અને સુરક્ષા માટે નાણાં ખર્ચાય છે. દરમિયાનમાં અમુક રાજ્યો વિવિધ ધાર્મિક યાત્રા માટે અને ધાર્મિક કાર્યક્રમો માટે મબલખ નાણાં ખર્ચે છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર માનસરોવર યાત્રા માટે પૈસા આપે છે. જે ખર્ચ વ્યક્તિ દીઠ ૧.પ લાખ રૂપિયા થાય છે. મધ્યપ્રદેશ સરકાર વરિષ્ઠ નાગરિકો માટે યોજાયેલ યાત્રાઓ માટે સબસિડી આપે છે. મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના હેઠળ સબસિડી અપાય છે જેમાં અયોધ્યા, મથુરા, સંત કબીરનો જન્મ સ્થળ અને કેરળના ચર્ચની મુલાકાત માટે પૈસા અપાય છે. જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડની રચના કરાઈ છે જેના અધ્યક્ષ રાજ્યપાલ છે અને જેમને મદદ માટે અધિકારીઓ ફાળવાયેલ છે. એ બધાનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવે છે. યાત્રાની વ્યવસ્થા માટે અનેક યાત્રિકોને સુવિધાઓ સાથે રક્ષણ આપવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.
બંધારણના અનુચ્છેદ ર૭માં શી જોગવાઈ છે ? : ભારતમાં તીર્થયાત્રાઓ મોટા પાયે યોજાય છે જેમાં લાખો લોકો ઉમટી પડે છે. જ્યાં યાત્રા યોજાય છે તે સ્થળે આયોજન ઉપરાંત યાત્રિકોની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે. આ મેળાવડાઓમાં દોડધામની અનેક ઘટનાઓ બને છે અને અનેક લોકો ઘવાય છે અને મૃત્યુ પામે છે. સરકાર એ બધાની સારવાર અને વળતરની જવાબદારી સ્વીકારે છે અને ચૂકવે છે. જો કે આ બધા ખર્ચાઓ બંધારણના અનુચ્છેદ ર૭નો ભંગ છે. બંધારણના અનુચ્છેદ ર૭ની જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિને એ માટે ટેક્સ ચૂકવવા માટે ફરજ પાડવામાં નહીં આવશે જેનાથી કોઈ ધર્મના પ્રચાર માટે અથવા ધાર્મિક પ્રક્રિયાઓ જાળવવા માટે ખર્ચ કરવામાં આવતો હોય. સુપ્રીમકોર્ટે પોતાના ર૦૧રના ચુકાદામાં જણાવ્યું હતું અમે એ બાબતોનો ઈન્કાર નથી કરતા કે અન્ય ધાર્મિક પ્રસંગોએ સીધી અથવા આડકતરી રીતે સરકાર નાણાં ખર્ચે છે. પણ આશ્ચર્યજનક રીતે આ બાબતે કોઈ પ્રશ્ન કરતો નથી પણ હજની સબસિડી બાબતે પ્રશ્નો કરાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks