હજ સબસિડીનું ભંડોળ તો એર ઇન્ડિયાને મળતું હતું, મુસ્લિમો તો ફક્ત બદનામ થતા હતા : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

(એજન્સી) લખનૌ, તા. ૧૭
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે હજ યાત્રીઓને મળનારી સબસિડી બંધ કરવા અગે મંગળવારે જણાવ્યું હતું કે, અત્યારસુધી સબસિડીના નામે મુસ્લિમોને છેતરવામાં આવી રહ્યા હતા અને આ નિર્ણયનો કોઇ અર્થ નથી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાનીએ જણાવ્યું હતું કે, સરકાર વાસ્તવમાં ફડચામાં ચાલી રહેલી એર ઇન્ડિયાને મદદ માટે સબસિડી આપી રહી હતી. આ એક છેતરપિંડી હતી. સબસિડીના નામે મુસ્લિમો સાથે ફક્ત છેતરપ્િોડી કરવામાં આવતી હતી. તેમણે કહ્યુ કે, સબસિડી મુખ્યત્વે એર ઇન્ડિયા માટે હતી હાજીઓ માટે નહીં.
વલી રહેમાનીએ કહ્યું કે, સામાન્ય દિવસોમાં સઉદી અરબ આવવા-જવા માટેની ટિકિટ ૩૨ હજારમાં મળે છે જ્યારે એર ઇન્ડિયા હજના સમયે ભાડામાં અત્યંત વધારો કરતા હાજીઓ પાસેથી ૬૫ હજાર રૂપિયા લઇને એક લાખ રૂપિયા સુધી વસુલે છે. જો સબસિડી વિના હાજીઓ પાસેથી ભાડું લેવામાં આવે તો તે તેના કરતા પણ ઓછું થાય છે. તેમણે કહ્યું કે, જ્યારે હાજીઓ એર ઇન્ડિયાની ટિકિટના થોકબંધ ખરીદદાર છે તો તેમનું ભાડું ઓછું હોવું જોઇએ મોંઘું નહી. ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો નિયમ છે કે, જો કોઇ તિર્થસ્થળ પર લઇ જાય તો તેને ભાડામાં ૪૦ ટકાની છૂટ મળશે. જો ભાડું સસ્તું ના હોય તો એટલું જ હોવું જોઇએ જેટલું સામાન્ય દિવસોમાં હોય છે. આ દરમિયાન ઓલ ઇન્ડિયાશિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના યાસૂબ અબ્બાસે હજ સબસિડી સમાપ્ત કરવા અંગે કહ્યું છે કે, બોર્ડ હજ સબસિડીના પક્ષમાં રહ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર એર ઇન્ડિયાના નુકસાનને ઓછો કરવા માટે હજ સબસિડી આપતી હતી પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અનુસાર તેઓ આ સબસિડીના નાણાને મુસ્લિમોના શિક્ષણ પાછળ ખર્ચ કરશે. જો એવું થાય તોસારી વાત છે. પણ એવા ગરીબ લોકો હવે સબસિડી નહીં મેળવી શકે જેઓ તેના સહારે હજ કરવા જતા હતા. રાજ્યના મુખ્ય વિપક્ષ સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, હજ સબસિડીને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવી જોઇએ નહીં. સબસિડી મળવાથી ગરીબ મુસ્લિમો પણ હજ કરવા જતા હતા. આ કોઇ રાજકીય વાત નથી. આ એક ધાર્મિક બાબત છે. આમાં હાજીઓને જેટલી વધુ સુવિધા અપાતી હતી તે મળવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, નકવીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે હજ પર જનારા લોકોને કોઇ સબસિડી નહીં મળે. વર્ષ ૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતે પોતાના એક આદેશમાં વર્ષ ૨૦૨૨ સુધી હજ સબસિડીને તબક્કાવાર સમાપ્ત કરવા જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks