(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે મોદી સરકાર દ્વારા હજ સબસિડી બંધ કરવાના નિર્ણયનું સ્વાગત કરતા તેની સામે વાંધા ઉઠાવતો પત્ર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને લખ્યો છે. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨માં સરકારને દિશા નિર્દેશ આપ્યા હતા કે, તે આગામી ૧૦ વર્ષમાં હજ માટે અપાતી સબસિડીને તબક્કાવાર રીતે સમાપ્ત કરી દે. અહમદ પટેલે સરકારના સબસિડી બંધ કરવાના પગલાંને આવકારતા કહ્યંુ હતું કે, સુપ્રીમેે સરકારને હજ સબસિડીના નાણાને મુસ્લિમ સમાજની સામાજિક તથા આર્થિક કલ્યાણ પાછળ ખર્ચ કરવા કહ્યું હતું. જોકે, સરકારે તેમાં ડહાપણ કરી ૨૦૨૨ની સમયમર્યાદાના ચાર વર્ષ પહેલા જ અચાનક સબસિડી બંધ કરી દીધી છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ વચ્ચેના આંકડા દર્શાવે છે કે, હજ માટેની કેન્દ્ર સરકારની ફાળવણીમાં ૪૦૧ કરોડથી ૨૦૦ કરોડનો ઘટાડો નોંધાયો છે. મને આશા છે કે, સરકારે આ બચાવેલા આશરે ૨૦૦ કરોડ રૂપિયાને લઘુમતી સમાજના કલ્યાણ માટે ખર્ચ કર્યા હશે જેમ સુપ્રીમ કોર્ટે તારવ્યું હતું. હં મારા પત્રમાં આશા વ્યક્ત કરૂ છું કે, મંત્રાલયે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનું પાલન કર્યુ હશે અને તમામ ખર્ચની વિગતો પણ જાહેર કરશે.