હઝરત ઇમામ માલિક (રહમતુલ્લાહ અલયહી)(ઈસ.૭૧૧-૭૯૫)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

હઝરતનું નામ માલિક બિન અનસ (રહ.) ન્યાયશાસ્ત્રી, માલિકી મઝહબના ઇમામ, આ સંપ્રદાયના સ્થાપક અને ઘણી વખત ‘મદીનાના ઇમામ’ તરીકે ઓળખાય છે. કુનીયત અબુ અબ્દુલ્લાહ અને લક્બ ‘ઇમામે દારુલ હિજરત’ હતું.
એમનું પૂરૂં નામ અબુ અબ્દુલ્લાહ માલિક બિન અનસ બિન માલિક બિન અબી આમીર બિન અમર બિન અલ હારીસ બિન ગયમાન બિન ખુતૈન બિન અમર બિન અલ હારીસ અલ અસબહી હતું. તેઓ બનું તૈય્મના હુમેર કબીલાથી સંબંધ ધરાવતા હતા. એમની માતાનું નામ અલ આલિયા બિંતે શરીક બિન અબ્દુર રહમાન બિન શરીક અલ અઝ્‌દીયાહ હતું. હ.ઇમામ માલિકના દાદા માલિક બિન અબી આમીર યમનના શાસકથી કંટાળી યમન છોડી હિજાઝમાં આવીને વસી ગયા હતા. ઇમામ માલિકના વડ દાદા અમરૂ એ હિસ. રમા ઇસ્લામ સ્વીકારી પયગંબર સાહેબ (સ.અ.વ.)ની સંગતનો લાભ મેળવવા ભાગ્યશાળી બન્યા હતા. તેઓ કાઝી અબુ બકર બિન અલ ઉલાના કથન મુજબ ‘અબુ આમિર અમરૂ બદરના યુદ્ધ સિવાય બધાજ ગઝ્‌વા (જે યુદ્ધમાં પયગંબર સાહેબ (સ.અ.વ.) પોતે પણ સામેલ હોય એને ગઝ્‌વા કહે છે )માં ભાગ લીધો હતો’ , જો કે ઘણા મોહદ્દીસીન આ બાબતને સાચી માનતા નથી.
હ. ઇમામ માલિકના જન્મ વર્ષ બાબતે ઇતિહાસકારોમાં મતભેદ છે. કેટલાંક હિસ. ૯૦, ૯૩, ૯૪, ૯૫, ૯૬ અને ૯૮ લખે છે, પરંતુ મોટા ભાગના ઇતિહાસકારો હિસ. ૯૩ બાબતે સહમત છે. કેમ કે એમણે પોતે જ ફરમાવ્યું હતું કે મારો જન્મ હિસ. ૯૩માં થયું હતું. તેઓ મદીનામાં જન્મ્યા હતા અને એમણે સહાબા અને તાબેઈનને જોયા હતા. આ રીતે તેઓ પોતે પણ તાબેઈન હતા. એમના દાદા પણ તાબેઈન અને વિદ્વાન હતા. કિશોરાવસ્થામાં ઇમામ માલિક (રહ.)કાપડનો વેપાર કરતા હતા.
હ. ઇમામ માલિક બાળપણથી જ જ્ઞાન મેળવવા ઉત્સુક હતા. એમણે બાળપણમાં જ કુર્આન મોઢે કરી લીધું હતું અને કિરાત અને તજ્વીદનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. એમણે ઘણા ગુરૂઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. એમણે ફિકહ (ધર્મ ન્યાયશાસ્ત્ર) પર વધારે ધ્યાન આપ્યું અને એમાં મહારત પ્રાપ્ત કરી. એમાંથી જે કેટલાક પ્રસિદ્ધ અને મહત્ત્વના છે એમનું અહી વર્ણન કરવામાં આવ્યું છે. એમની માતાએ એમને હ. રબિઆ બિન અબી અબ્દુર રહમાન ફરોખ અલ મદની (મૃત્યુ.હિસ. ૧૩૦ કે ૧૩૬) જેઓ રબિઆ રાય તરીકે ઓળખાતા હતા. એમની પાસે મોકલ્યા કે જેથી તેઓ હદીસનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ પછી એમણે હ. અબ્દુલ્લાહ બિન ઉમર (રદી.)ના આઝાદ ગુલામ હ. નાફેઅ પાસેથી કિરાઅત શીખી અને હદીસનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હ. નાફેએ ત્રીસ વર્ષ સુધી હ. અબ્દુલ્લાહ બિન ઉમર (રદી.)ની સેવામાં રહી ફિકહી મસાઈલ અને હદીસોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હ.ઇમામ માલિકે હ. નાફે પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના ફિકહ (ધર્મ ન્યાયશાસ્ત્ર)નો પાયો આના ઉપર જ નાખ્યો હતો. હ. નાફેના વિદ્યાર્થીકાળ દરમિયાન જ હ.ઇમામ માલિક હ. અબ્દુર રહમાન બિન હરમઝ (જેઓ હ.અબુ હુરેરા (રદી.)ના જમાઈ હતા અને ઘણા તાબેઈનથી હદીસો રિવાયત કરી હતી, મોટા વિદ્વાન હતા અને એમની ક્લાસ મસ્જિદે નબવીમાં ચાલતી હતી) પાસેથી સાત વર્ષ સુધી ફિકહ અને હદીસનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હ. સફ્વાન બિન સલીમ, ઇમામ ઇબ્ને શહાબ ઝેહરી ખૂબ મોટા હદીસવેત્તા અને ફકીહ વિદ્વાન હતા. ઇમામ માલિકે એમની પાસેથી હદીસ અને ફિકહ બંનેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
ઉર્દૂ ઇસ્લામી વિશ્વકોષના સંપાદક લખે કે જ્ઞાન પ્રાપ્ત કાર્ય પછી ઇમામ માલિક (રહ.) સામાજિક જીવનમાં પધાર્યા તો એક એવું વ્યક્તિત્વ લઈને પ્રવેશ્યા જેનો એહસાસ નાજુક અને વકાર (રૂઆબ) હેબતદાર હતો. ઓછું બોલતા હતા. મજાકને નાપસંદ કરતા હતા. ભીડભાડથી દૂર રહેતા હતા. જીવનભર લગભગ મદીનામાં જ રહ્યા. ક્યાંય બહાર ન ગયા. આવું વ્યક્તિત્વ લઇ તેઓ ઉમવી અને અબ્બાસી સલ્તનત કાળમાં શાસકો સાથે મુલાકાત કરતા અને એમની સભાઓમાં શામેલ થતા. કેટલાક ઇતિહાસકારોના માટે તેઓ એમની ભેટ સોગાદો પણ કબુલ કરતા હતા. કેટલીક વખત શાસકો સામે નુક્તાચીની પણ કરતા હતા. (હ. ઇમામ માલિક રહ.નો કોલ છે કે, આલિમોનો અધિકાર છે કે તેઓ શાસકોની પાસે જઈને એમને ભલાઈ માટે પ્રેરે એમને લડાઈઓથી રોકે અને એમને સારી શિખામણો આપે.)
ઇમામ માલિકના યુગમાં રાજકીય ફીત્નાઓ પણ ઉઠતા રહેતા હતા.એક કથન મુજબ ખલીફા મનસુરના મદીનાના ગવર્નર જાફર બિન સુલેમાને ઇમામ માલિક (રહ.)ને કોરડા મરાવ્યા હતા. એનું કારણ એ હતું કે ઇમામ માલિક (રહ.) બળજબરીથી આપવામાં આવેલ તલાકને વૈધ ઠરાવતા ન હતા. મનસુરના ગવર્નરે એમને ચત્તાપાટ સુવડાવી સિત્તેર કોરડા ફટકાર્યા હતા. એમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો. એમને અર્ધનગ્ન અવસ્થામાં માર્ગો પર ફેરવવામાં આવ્યા. લોહીલુહાણ અવસ્થામાં પણ લોકોને એ કહી રહ્યા હતા કે હું માલિક બિન અનસ ફતવો આપું છું કે બળજબરીથી તલ્લાક યોગ્ય નથી. ટૂંકી માંદગી પછી ૮૫ વર્ષનું આયુષ્ય ભોગવી હિસ.૧૭૯માં અવસાન પામ્યા. મદીનામાં જન્નતુલ બકીઅમાં દફનાવવામાં આવ્યા.
એમણે સત્તર વર્ષની ઉમરમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. હુઝુર (સ.અ.વ) સાહેબની હદીસની એટલી ઇજ્જત કરતા કે વઝુ કરી, કપડા પર અત્તર લગાવતા અને પછી જ હદીસ બયાન કરતા. આમાં માત્ર સામાન્ય માણસો જ નહોતા આવતા પરંતુ એમના શિષ્યો, વિદેશથી આવેલા શિષ્યો, વિદ્વાનો, ફકીહો અને ઉમરાવો પણ સામેલ થતા. હુઝુર(સ.અ.વ.) સાહેબની એ હદીસના પર્યાય બની ગયા હતા કે ‘ટૂંકમાં જ લોકો દૂર-દૂરથી યાત્રા કરીને આવશે પરંતુ એમને મદીનાના વિદ્વાનથી મોટો બીજો કોઈ વિદ્વાન નહીં મળે.’ (જામેઅ અલ ઉસૂલ, ભાગ ૯,પૃ.૨૪૧) ઇબ્ને ઐનીયાહએ અબુ હુરેરા (રદી.)ની આ હદીસ વિષે કહ્યું કે મદીનાના વિદ્વાનથી આશય હ.ઇમામ માલિક રહ. જ છે.(તેહ્‌ઝીબુલ તેહઝીબ ભાગ ૧૦,પૃ.૭)
મોટા મોટા વિદ્વાનો ઇમામ માલિક વિષે શું કહે છે ? યાહયા બિન મોઈને કહ્યું ઇમામ માલિક હદીસના અમીરૂલ મોમીનીન હતા. અબ્દુર રહમાન બિન મેહદીએ કહ્યું : ધરતી પર ઇમામ માલિકથી વધીને હદીસે નબવીનો કોઈ અમાનાતદાર નથી. અબુ કદામ ફરમાવે છે ઇમામ માલિક પોતાનાં યુગના હદીસના સૌથી મોટા હાફિઝ (યાદ કરનાર/ મોઢે કરનાર) હતા. ઇમામ એહમદ બિન હમ્બલ (રહ.)ને કોઈએ પુછ્યું કે કોઈ વ્યક્તિ હદીસ મોઢે કરવા ઇચ્છે તો કોની હદીસ મોઢે કરે ? તો એમણે જવાબ આપ્યો કે માલિક બિન અનસ (રહ.)ની (મોઢે કરે). ઇમામ શાફઈએ કહ્યું ઇમામ માલિક વિદ્વાનોની દૃષ્ટીએ ચમકતા તારા સમાન હતા અને તેઓ તાબેઈન પછી બધા સર્જનો પર અલ્લાહની દલીલ હતા. જો ઇમામ માલિક અને સુફિયાન બિન ઐનીયા ન હોત તો હિજાજ (અરબસ્તાન)નું જ્ઞાન ચાલ્યું જાત. ઇમામ એહમદ બિન હમ્બલે કહ્યું ઇમામ માલિક (માત્ર હદીસ વર્ણનમાં જ નહીં) દરેક ફન (કળા)માં પુખ્ત છે. અબ્દુર રહમાન બિન મહેંદીએ કે કહ્યું કે મેં ઈમામ માલિકથી વધારે કોઈ બીજાને બુદ્ધિશાળી નથી જોયા.
મસ્જિદે નબવીમાં તેઓ દર્સ(પાઠ) આપતા.એ સિવાય ક્યાંય જતા નહોતા. ખલીફા હારૂન અલ રશીદ અને ખલીફા મહેંદી અબ્બાસી જયારે મદીના ગયા ત્યારે એમણે ઇમામ માલિકને કહેણ મોકલ્યું હતું કે પોતાના ખેમામાં આવીને બાળકોને દર્સ આપે તો આપ ગયા નહીં અને કહેવડાવ્યું કે જ્ઞાન ઇજ્જતને લાયક બાબત છે એને પ્રાપ્ત કરવા માટે એની પાસે જવું પડે છે.
એમના શિષ્યોની સંખ્યા હજારોમાં હતી. આમાં અબુ જાફર મન્સૂર, મહેંદી, મુસા હાદી, હારૂન રશીદ, મોહમ્મદ અમીન અને અબ્દુલ્લાહ મામુન જેવા ખલીફા સામેલ હતા. તો ઇબ્ને શહાબ ઝેહરી, યાહ્યા બિન સઈદ અન્સારી, મોહમદ બિન અબ્દુર રહમાન, અબુલ અસ્વાદ, નાફે અન્સારી, જેવા તાબેઈન પણ હતા. મોહદ્દીસીનમાં મોહમ્મદ બિન અજલાન, હયાત બિન શરીહ, યાહ્યા બિન સઈદ કતાન, યહયા બિન બકીર અને અન્યો સામેલ હતા. આ ઉપરાંત ઇતિહાસકારો, તફસીરવેત્તાઓ અને કેટલાંક ફિલસૂફો પણ એમના શિષ્યવૃંદમાં સામેલ હતા. એમાના કેટલાક તો પોતપોતાના પ્રદેશોના મોટા મોહદ્દીસ, ફકીહ અને વિદ્વાન બન્યા હતા.
તેઓ એક મોટા ફકીહ (ધર્મ ન્યાયશાસ્ત્રી) હતા અને માલિકી સંપ્રદાયના સ્થાપક ગણાય છે. આ સંપ્રદાયના અનુયાયીઓ મોટા ભાગે ઉત્તરઆફ્રિકા, ઈજીપ્ત, સીરીયા, યમન, સુદાન, ઇરાક અને ખોરાસાનના કેટલાક ભાગોમાં વસે છે.
તેઓ એક મોટા મોહદ્દીસ (હદીસ વેત્તા) હતા જેમણે વધુમાં વધુ હદીસો પ્રાપ્ત કરી પરંતુ એનું વર્ણન કરવામાં ઘણી સાવચેતી રાખી હતી. એમણે ચાળીસ વર્ષની મહેનતથી સંગ્રહ કરેલી હદીસો, સહાબા અને તાબેઈનના કથનોના સંગ્રહનું નામ ‘મુવત્તા’ કે ‘મુવત્તા ઇમામ માલિક’ છે. એવું કહેવાય છે કે પ્રારંભમાં આમાં દસ હજારથી વધુ હદીસો હતી. પરંતુ પુનઃ અવલોકન અને સંશોધન કરીને જીવનના અંતિમ સમયમાં એમણે માત્ર દોઢ હજારથી થોડીક વધારે હદીસો રાખી હતી. એમની હયાતીમાં જ આને લોકપ્રિયતા પ્રાપ્ત થઇ ગઈ હતી અને આજે પણ એ ત્રણ સૌથી વધુ પ્રમાણિત કે મૂળભૂત હદીસ સંગ્રહોમાંથી એક છે, બીજા બે હદીસ સંગ્રહો સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ છે એમ હ. શાહ વલીઉલ્લાહ દહેલવીનું કહેવું છે. ખલીફા હારૂન અલ રશીદ પોતાના બંને પુત્રો અમીન અને મામુનને લઈને મોઅત્તાને સાંભળવા માટે ઇમામ માલિક (રહ.)ની સેવામાં હાજર થતો હતો.
ઇમામ માલિકને બે પુત્રો હ. યાહ્યા અને હ. મુહમ્મદ હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks