હઝરત જલાલુદ્દીન રૂમી (રહમતુલ્લાહે અલયહે)

વારસો – પીર સૈયદ હાજી મદનીબાવા, દરિયાઈ કાદરી

હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહેનું નામ મુબારક તઅરૂફ (ઓળખાણ)નું મોહતાજ નથી. ઈસ્લામી દુનિયાનો લગભગ દરેક માનવી આપના નામ મુબારકને જરૂર જાણતો જ હશે, કારણ કે ગમે તે ફિર્કાનો આલિમ હોય પણ તે પોતાની તકરીરમાં વચ્ચે વચ્ચે એમ કહેતો જરૂર સંભળાશે કે હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે પોતાની મસ્નવી શરીફમાં ફરમાવે છે કે આ મુજબનો ઉલ્લેખ દરેક આલિમ તકરીર દરમિયાન જરૂર કરતો જ હોય છે. આ કારણસર ઈસ્લામી અવામ આપના નામથી સારી રીતે જાણકાર છે.
આપનું નામ મુહમ્મદ છે અને લકબ (ઉપમા) જલાલુદ્દીન છે ઉમ્મતે મુહમ્મદી સલ્લલ્લાહો અલયહે વસલ્લમ આપને બહરૂલ ઉલૂમ (ઈલ્મનો સમુદ્ર) કહીને સંબોધે છે.
આપના વાલિદનું નામ મૌલાના બહાઉદ્દીન રહમતુલ્લાહે અલયહે અને આપના દાદાનું નામ હઝરત હુસૈન બલ્ખી રહમતુલ્લાહ અલયહે છે. હઝરત રૂમી રહમતુલ્લાહે અલયહેના પિતા અને દાદા તે સમયના એક મહાન સૂફી અને બુઝુર્ગ હતા. તે સમયના બાદશાહો અને પ્રજામાં તેઓ ખૂબ જ લોકપ્રિય હતા.
હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે હિજરી સન ૬૧૦ બલ્ખમાં પૈદા થયા. પરંતુ અમુક કારણોસર આપના વાલિદ બલ્ખથી પોતાના ૩૦૦ જેટલા મુરીદો અને અકીદતમંદોને પોતાની સાથે લઈ નિશાપુર ચાલ્યા ગયા.
એ વખતે હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહેની ઉંમર માત્ર છ વર્ષની હતી. જ્યારે તેઓ નિશાપુરમાં સ્થાયી હતા, ત્યારે ત્યાંના એક મહાન બુઝુર્ગ હઝરત બાબા ફરીદુદ્દીન અત્તાર રહમતુલ્લાહે અલયહે હઝરત મૌલાના બહાઉદ્દીન રહમતુલ્લાહે અલયહેની મુલાકાત કરવા આવ્યા. ત્યાં હઝરત રૂમી રહમતુલ્લાહે અલયહે પણ બેઠા હતા. હઝરત બાબાફરીદ અત્તાર રહમતુલ્લાહે અલયહે હઝરત રૂમી રહમતુલ્લાહે અલયહેના ચહેરા ઉપર દૃષ્ટિ કરતાની સાથે જ આપની ખુશનસીબીનો સિતારો આપના કપાળ ઉપર ચમકી રહ્યો હતો. જે આપે જોયો અને આપના વાલિદને કહેવા લાગ્યા કે, આ અણમોલ રત્નથી ગાફીલ ન રહેશો, તેને ખૂબ જ સારી રીતે સાચવજો.
થોડા સમય સુધી હઝરત રૂમી રહમતુલ્લાહે અલયહે આપના વાલિદ સાથે નિશાપુર રહ્યા અને થોડા સમય પછી નિશાપુરની બગદાદ, હુજ્જાજ, શામ (સીરિયા), રનજાન વગેરે સ્થળોએ રહીને છેવટે કોયના (રૂમ) આવીને સ્થાયી થઈ ગયા. કોયનામાં જ રબીઉલ આખિરની ૧૦મી તારીખે હિજરી સન ૬ર૮માં હઝરત મૌલાના બહાઉદ્દીન રહમતુલ્લાહે અલયહેની વફાત થઈ. આ સમયે હઝરત રૂમી રહમતુલ્લાહે અલયહેની ઉંમર ૧૮ વર્ષની હતી.
આપે શરૂઆતની દીની તાલીમ તો પોતાના વાલિદ સાહેબથી પ્રાપ્ત કરી હતી, પરંતુ વાલિદની વફાત બાદ આપ વાલિદે મોહતરમના એક મહાન મુરીદ અને બુઝુર્ગ હઝરત સૈયદ બુરહાનુદ્દીન રહમતુલ્લાહે અલયહે પાસે વાલિદના ફરમાન મુજબ દીની ઈલ્મ શીખતા રહ્યા. વધારે દીની ઈલ્મ પ્રાપ્ત કરવા આપ શામ તશરીફ લઈ ગયા. આ સમય દરમિયાન આપ એક લાજવાબ આલિમ બની ચૂક્યા હતા. જે કોઈ પેચીદા મસ્અલાનો ઉકેલ ન લાવી શકતો, તેનો ઉકેલ આપ ફરમાવી દેતા. શામથી ફરીવાર કોયના આવ્યા. પરંતુ તે સમયમાં બીજા એક મહાન બુઝુર્ગ હઝરત શમ્સ તબરેઝ રહમતુલ્લાહે અલયહે બારગાહે ખુદાવંદીમાં મુનાજાત કરી કે, ખુદાયા ! તું મને એક એવો સાથી અર્પણ કર, જે તારો પ્યારો પણ હોય અને મારો સાચો સંગાથી પણ થાય. આ મુનાજાત કર્યા બાદ આપને ગૈબથી ઈર્શાદ મળ્યો કે તમો કોયના જાઓ. ત્યાંથી તમારી મુરાદ પૂરી થશે. હઝરત શમ્સ તબરેઝ કોયના તશરીફ લઈ આવ્યા. આપણા આગમનના સમાચાર સાંભળી હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે તેમની મુલાકાત કરવા જવા રવાના થયા. હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે મુલાકાત કરવા જઈ રહ્યા હતા પણ રસ્તામાં આપને જે કોઈ મળતો આપની કદમબોસી કરવા આપને જરૂર રોકતો. મોટામોટા અમીર તથા બુઝુુર્ગો આપની કદમબોસી કરી રહ્યા હતા અને એ પ્રસંગને હઝરત શમ્સ તબરેઝ રહમતુલ્લાહે અલયહે પોતાની આંખે નિહાળી રહ્યા હતા. મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહેને જોઈને હઝરત શમ્સ તબરેઝ રહમતુલ્લાહે અલયહે જાણી ગયા કે ચોક્કસ આ તે જ હસ્તી છે જેના માટે મને ગૈબથી ઈર્શાદ થયો છે. બસ એ પછી તો બંને વચ્ચે ખૂબ જ પ્રેમ અને ખુલુસના સંગીન સંબંધો જોડાયા. બે વર્ષના સમયમાં હઝરત શમ્સ તબરેઝ રહમતુલ્લાહે અલયહેની પાસેથી હઝરત જલાલુદ્દીન રૂમી રહમતુલ્લાહે અલયહે આત્મિક જ્ઞાન, પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત કરી લીધું. હઝરત શમ્સ તબરેઝ રહમતુલ્લાહે અલયહેની શદાહત હિજરી સન ૬૪પમાં થઈ.
હઝરત મૌલાના જલાલુદ્દીન રૂમી રહમતુલ્લાહે અલયહે તકવા અને પરહેઝગારીમાં અજોડ હતા. આપ કદી પણ ઓશીકું કે બિસ્તર પાથરીને સૂતા નથી. જ્યારે ઊંઘ સવાર થતી ત્યારે બેઠા-બેઠા થોડીવાર ઊંઘ કરી લેતા. જ્યારે નમાઝનો સમય થતો આપ ગમે તે જગ્યાએ, ગમે તે હાલતમાં હોતા તરત જ કીબ્લારૂખ થઈ જતાં અને નમાઝને અદા કરવામાં લાગી જતા. નમાઝમાં દિલને ખૂબ જ રજૂ રાખતા. ઘણીવાર એવું પણ થતું કે ઈશાની નમાઝ પૂરી કર્યા પછી નવાફીલ પઢવા શરૂ કરી દેતા. બે રકાઅત નિફલમાં પૂરેપૂરી રાત નીકળી જતી. એક વખત ઠંડીની ઋતુમાં આપ આદત મુજબ નમાઝ પઢવા ઊભા થયા પરંતુ નમાઝ અદા કરવામાં આપ એટલું રડ્યા કે આપની દાઢી ઉપર આંસુઓ બરફ થઈને જામી ગયા. છતાં આપે નમાઝ પઢવી બંધ ન કરી.
આપ પાસે તે સમયના બાદશાહ અને ઉમરાવ તરફથી ઘણી બધી માલ-દૌલત અને કિંમતી સોગાદો આવતી પણ આપ કાંઈપણ રાખતા નહીં. આવેલી તમામ ચીજોની ખૈરાત ફરમાવી દેતા. ગરીબીમાં જિંદગી બસર કરતા. જ્યારે ઘરમાં ખાવા માટે કાંઈ ન મળતું ત્યારે ફરમાવતા આજે અમારા ઘરમાંથી દુરવેશીની બૂ (સુગંધ) આવે છે.
હઝરત જલાલુદ્દીન રૂમી રહમતુલ્લાહે અલયહેના એક મહાન સાગરીત હઝરત હિસામુદ્દીન રહમતુલ્લાહે અલયહે છે. તેમના ઉપર આપને અનહદ પ્રેમ અને લગાવ હતો. આપ તેમની એટલી ઈજ્જત અને ખાતીર તવાઝો કરતા કે જાણે હઝરત હિસામુદ્દીન રહમતુલ્લાહે અલયહે તેમના મુરીદ નહીં પણ પીર છે. હઝરત હિસામુદ્દીન રહમતુલ્લાહે અલયહે પણ આપની ઈજ્જત અને એહતરામ કરતા હતા. ત્યાં સુધી કે જે જગ્યાએ આપ વુઝૂ ફરમાવતા ત્યાં આપ વુઝૂ પણ ન કરતા.
મસ્નવી શરીફની તસનીફ (લખાણ કરવા)માં હઝરત હિસામુદ્દીન રહમતુલ્લાહે અલયહેનો ફાળો બહુ મોટો છે અને તે કારણસર મસ્નવી શરીફમાં ઘણી ખરી જગ્યાઓ ઉપર આપનો ઉલ્લેખ કરવામાં પણ આવેલો છે.
હઝરત મૌલાના જલાલુદ્દીન રૂમી રહમતુલ્લાહે અલયહે વફાત પહેલા પોતાના વફાતની પેશેનગોઈ (આગાહી) પણ ફરમાવેલી હતી. વફાત પહેલાં થોડા દિવસ આપ સખ્ત બીમાર રહ્યા હતા. મોટામોટા અનુભવી વૈદ્યોએ ઈલાજ કર્યો પણ કોઈ ઈલાજ સફળ ન થયો. આખરે જમાદિલ આખરની પમી તારીખે શનિવારના રોજ હિજરી સન ૬૭રમાં મગરિબના સમયે આપની વફાત થઈ.
આપના વફાતથી દરેક ધર્મના લોકોને ખૂબ જ આઘાત થયો. હજારો માણસોએ બેખુદી અને ગમમાં પોતાના કપડાંઓ ફાડી નાખ્યા. બીજા દિવસે સવારે આપનો જનાઝો કાઢવામાં આવ્યો. આપના જનાઝામાં તે સમયના બાદશાહ અને બીજા હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. યહૂદીઓ અને ઈસાઈઓ પણ આપના જનાઝામાં સામેલ થઈ જનાઝાની આગળ તૌરેત અને ઝબૂર પઢતા હતા. આપના જનાઝાને કબ્રસ્તાન પહોંચાડવામાં સાંજ પડી ગઈ અને સાંજના સમય ઉપર આપને કોયના (રૂમ)માં દફન કરવામાં આવ્યા. (સારાંશ મીફતાહુલ ઉલૂમ સં.નં.૧૭, ૧૮, ૧૯, ર૦ હિ.૧)
હવે આપણે આપની મશહૂર કિતાબ મસ્નવી શરીફ વિશે થોડું જાણીએ.
હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહેની મસ્નવી શરીફ એક એવી મોઅતેબર અને સંપૂર્ણ કિતાબ છે કે આજ સુધી એ કિતાબની સરખામણીમાં નઝમી કિતાબ લખાયેલી નથી.
આ કિતાબ મસ્નવી શરીફના વખાણ મહાન બુઝુર્ગોએ કેટલી હદ સુધી કરેલા છે તે જોઈએ.
હઝરત મૌલાના જામી રહમતુલ્લાહે અલયહે ફરમાવે છે કે,
મન ચે ગોયમ વસ્ફે આં. આલી જનાબ
નેસ્ત પયગમ્બર વલે દારદ કિતાબ
(હું મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહેના વખાણ શું કરી શકું છું ટૂંકમાં એટલું કહું છું કે આપ પયગમ્બર નથી પણ મસ્નવી શરીફ જેવી મહાન કિતાબ ધરાવે છે.)
સાથે-સાથે હઝરત મૌલાના જામી રહમતુલ્લાહે અલયહે એમ પણ ફરમાવે છે.
ફક્ત એક મસ્નવીએ મૌલાના રૂમ રહમતુલ્લાહે અલયહેની જ આવી બહેતરીન તારીફ થઈ શકે છે.
આ મસ્નવી શરીફ એટલી બધી લોકપ્રિય અને પ્રખ્યાત થઈ તેનું બીજું કારણ એ પણ છે કે આ કિતાબ મસ્નવી શરીફમાં મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે તમામ ઉલૂમો ફન સમાવી લીધેલા છે. જેમ કે કુર્આન, હદિસ, ફિકાહ, અકાઇદ, અમ્બિયાએ કિરામ અલયહિમુસ્સલામની શાન, તેમનો મરતબો, તેમની ખુદાદાદ તાકાત, અવલિયા અલ્લાહ અને બુઝુર્ગોને દિનની તઅરીફ, મરતબો, તાઝીમ બદ અકીદતનું સચોટ ખંડન તથા અનેક પ્રકારની નસીહત, હીકમત, રમ્ઝ, હિકાયત, ફિલોસોફી અને બીજા અનેક ઉલૂમો ફન આ સમગ્ર વાતો ફક્ત એક જ કિતાબમાં સમાવી લીધેલ છે. જાણે કે કુંજામાં સમુદ્રને ઉતારી દીધેલું છે.
મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહેને કમાલ એ છે કે આપે કુર્આનની આયતને ફારસી અશઆરમાં ઘણી જગ્યાએ અંકિત કરી દીધેલ છે અને ખૂબીની વાત તો એ છે કે તે અરબી ઈબારત (લખાણ) ફારસી શેઅરની માફક હુબહુ પઢી શકાય છે. દા.ત. એક જગ્યા ઉપર મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે ફરમાવે છે કે,
હર ચે દારદ સર્ફ કુન દર રાહે ઉ
લન-તના લુલ-બિર્રા હત્તા તુન ફેકુ.
આ રચનામાં પહેલી પંક્તિ મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે બનાવેલી છે પણ બીજી પંક્તિ કુર્આને પાકના ચોથા પારાની આયતનો ભાગ છે જેમાં ફરમાને ખુદાવંદી છે કે, લન તના લુલ બિર્રા હત્તા તુન ફેકુ મીમ્મા તોહીબ્બુન. અરબી ઈબારતને પણ કેટલી સરસ રીતે ગોઠવી આપી કે જે ફારસી અશઆરના લેહઝામાં જ પઢી શકાય છે. જેનો અર્થ એ થાય છે કે (અય મર્દે મોમિન) જે કાંઈ તારી પાસે તારી વ્હાલી વસ્તુ હોય તે અલ્લાહ તઆલાના રસ્તામાં ખર્ચ કરી દે (કારણ કે) અલ્લાહ તઆલા ફરમાવે છે કે (અય મોમિન બંદાઓ) તમે જ્યાં સુધી અલ્લાહ તઆલાના રસ્તામાં તમારી વ્હાલી ચીજ કુરબાન નહીં કરો ત્યાં સુધી અલ્લાહ તઆલાના પ્યારા નહીં બની શકો એવી જ રીતે અમુક જગ્યા ઉપર મસ્નવી શરીફમાં મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે હદિસેપાકને પણ ગોઠવી આપી છે અને તે હદિસ અરબી હોવા છતાં ફારસી શેઅરની જેમ જ પઢી શકાય છે.
દા.ત. એક જગ્યા ઉપર હઝરત મૌલાના રૂમી રહમતુલ્લાહે અલયહે ફરમાવે છે કે,
બીરાનું અઝ અખબારે આં સદરૂસ સુદૂર
લાલ સલાતા ઈલ્લા બે હુઝુરિલ કલ્બ
(અર્થ : સાંભળો કે હુઝૂર સલ્લલ્લાહો અલયહ વસલ્લમ ફરમાવે છે કે નમાઝ દિલની હુજુરી (રજૂ) વગર (મુકમ્મીલ) થતી નથી. સુબ્હાનલ્લાહ ! શું ખુદાદાદ વસ્ફ છે કે અરબી ઈબારત કે જે હદિસેપાકની છે, તેને પણ અશઆરના રૂપમાં ફારસી જેમ જ ગોઠવી દીધી અને તેને પઢવા માટે લહેઝો પણ એ જ ફારસી જેવો જ થશે.
(સૌ : ‘‘ફૈઝ-એ-દરિયાઈ’’ માસિક)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts