હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૧

હઝરત હસન ઇબ્ન અલી રદી. બિન અબુ તાલિબ બિન અબ્દુલ મુત્તલીબ , હુઝુર (સ.અ.વ.) ના મોટા દોહિત્ર, હઝરત અલી રદી અને હઝરત ફાતિમા રદી.ના મોટા પુત્ર, જન્નતમાં યુવાનોના સરદાર અને પાંચમાં રાશીદુન ખલીફા અને શિયાઓના બીજા ઇમામ હતા.
હઝરત હસન રદી.નો જન્મ ૧૫ રમઝાન હિસ ૩ (૨૮ ફેબ્રુઆરી  ૬૨૫)નાં દિવસે મદીનામાં થયો હતો. હઝરત અલી રદી.એ એમનું નામ હર્બ રાખ્યું હતું પરંતુ નબી (સ.અ.વ.) સાહેબે એ બદલીને હસન રદી. રાખી દીધું હતું. એમની કુનીયત અબુ મુહમ્મદ હુઝુર (સ.અ.વ.)સાહેબે રાખી હતી, જો કે એ નામનો એમનો કોઈ પુત્ર નહતો. નબી(સ.અ.વ.) સાહેબે એમના કાનમાં અઝાન આપી હતી. આપ (સ.અ.વ.) સાહેબે જ ‘તહ્‌નીક’(ખજૂર ચાવીને નાના બાળકના મોઢામાં નાખવી) ક્રિયા પણ કરી હતી. હુઝુર (સ.અ.વ.) સાહેબે બે મેંઢા (ઘેંટા) કાપી એમનો ‘અકીકા’ કર્યો હતો. સાતમાં દિવસે હઝરત ફાતિમા રદી.એ હ હસન રદી.નું માથું મૂંડાવ્યું હતું અને વાળના વજન બરાબર ચાંદી સદ્‌કો (દાન) કરી હતી અને એજ દિવસે એમની ખતના પણ કરાવી હતી. હઝરત હસન રદી.ને હઝરત અબ્બાસ રદી.ના પત્ની હ.ઉમ્મુલ ફઝલ- લુબાબા બિંતે અલ હારિસ અલ હિલાલીયહ રદી. એ પોતાના પુત્ર હઝરત કુસમ રદી. સાથે દૂધ પીવડાવ્યું હતું.આમ હઝરત કુસમ રદી. હઝરત હસન રદી.ના કાકા હોવાની સાથે દૂધ પીતા ભાઈ પણ હતા. સીર અસ સહાબામાં ભૂલથી આ પ્રસંગ હઝરત ઇમામ હુસેન રદી.ના જીવન ચરિત્રમાં વર્ણવવામાં આવ્યો છે.હઝરત અબુ બક્ર સક્ફી રદી. ફરમાવે છે કે મેં રસુલલ્લાહ (સ.અ.વ.) સાહેબથી સાંભળ્યું : આપ(સ.અ.વ.) સાહેબ મીમ્બર પર હતા અને હસન રદી. આપ(સ.અ.વ.) સાહેબની બગલમાં બેઠા હતા. આપ (સ.અ.વ.) સાહેબ એક વખત લોકો તરફ જોતા અને એક વખત હસન રદી તરફ એ જ સ્થિતિમાં આપ (સ.અ.વ.) સાહેબે ફરમાવ્યું આ મારો પુત્ર (દોહિત્ર) સરદાર છે અને આશા છે કે અલ્લાહ એના દ્વારા મુસલમાનોના બે જૂથો વચ્ચે સુલેહ (શાંતિ કરાર) કરાવશે.(બુખારી).આપ (સ.અ.વ.) સાહેબ હઝરત હસન રદી.ને શબાબે એહલુલ જન્નાહ-જન્નતમાં યુવાનોના સરદાર પણ કહેતા હતા. હઝરત અનસ રદીનું કથન છે કે રસુલલ્લાહ (સ.અ.વ.) સાહેબ સાથે હઝરત હસન રદી જેટલી સામ્યતા કોઈ પણ વ્યક્તિ ધરાવતી નહતી.(બુખારી).ઇતિહાસમાં એમના સૌન્દર્ય ની પ્રસંશા પણ જોવા મળે છે.હઝરત હસન રદી.નું પ્રારંભિક જીવન નાના  (આપ સ.અ.વ.) સાહેબ અને માતા-પિતાની છત્ર છાયામાં ખૂબ જ શાંતિ અને આરામથી પસાર થયું. હુઝુર (સ.અ.વ.) સાહેબ હઝરત હસન અને હઝરત હુસેન રદી.ને ખૂબ પ્રેમ કરતા, એમનું ખૂબ ધ્યાન રાખતા, એમને પોતાના ખોળામાં બેસાડતા, પોતાના ખભા ઉપર પણ બેસાડતા. હઝરત અબુ હુરેરા રદી.થી કથન છે કે રસુલલ્લાહ (સ.અ.વ.) સાહેબે ફરમાવ્યું : જેણે હસન અને હુસેન રદી.થી પ્રેમ કર્યો એણે મને પ્રેમ કર્યો અને જેણે આ બંનેથી શત્રુતા રાખી એણે મારાથી શત્રુતા રાખી(સુનન નિસાઈ).હઝરત અબ્દુલ્લાહ બિન મસુદ રદી.થી રિવાયત છે, એ કહે છે નબી (સ.અ.વ.) સાહેબ નમાઝ પઢી રહ્યા હતા ત્યારે હઝરત હસન અને હઝરત હુસેન રદી આપ(સ.અ.વ.)સાહેબ ની પીઠ(કમર) પર કૂદીને ચઢી ગયા, લોકોએ  એમને ખસેડી દીધા  તો આપ (સ.અ.વ.) સાહેબે ફરમાવ્યું આ બંનેને આવું કરવા દો, એ બંને  પર મારા મા-બાપ કુરબાન, જે મને પ્રેમ કરે છે એણે આ બંનેથી પણ પ્રેમ કરવો જોઈએ. હઝરત અબુ હુરેરા રદી.થી કથન છે કે નબી (સ.અ.વ.) સાહેબે હઝરત હસન રદી વિશે ફરમાવ્યું : અલ્લાહ, હું આનાથી પ્રેમ કરૂં છું, તો તું પણ આનાથી અને એ લોકોથી પ્રેમ કર જેને આ પ્રેમ કરે છે.(મસનદ એહમદ).હુઝુર (સ.અ.વ.) સાહેબે જાહેરી દુનિયાથી પડદો કર્યો ત્યારે હઝરત હસન રદી.ની ઉમર સાત વર્ષ હતી. હઝરત અબુ બક્ર સિદ્દીક રદી.ના ખિલાફત કાળમાં તેઓ સગીર વયના હતા.હઝરત અબુ બક્ર રદી એમના(અને હઝરત હુસેન રદી) માટે કહેતા હતા કે એહલે બૈતના મામલે હુઝુર (સ.અ.વ.) સાહેબનો વિચાર કરો.(બુખારી).એક દિવસ હઝરત અબુ બક્ર સિદ્દીક રદી એ અસરની નમાઝ પઢાવી. એ પછી હઝરત અબુ બક્ર રદી અને હઝરત અલી રદી એકસાથે મસ્જિદમાંથી બહાર નીકળ્યા. હઝરત અબુ બક્ર રદી એ હઝરત હસન રદી.ને બાળકો સાથે રમતા જોયા તો પ્રેમ અને સ્નેહથી એમને પોતાના કંધો પર બેસાડી લીધા.હઝરત ઉમર રદી પોતાના ખિલાફતકાળમાં  દીવાન (દફતર કે ઓફિસ) અને બૈતુલ માલની સ્થાપના કરી અને મુસલમાનોને એમની કદર મુજબ વાર્ષિક પેન્શન બાંધી આપ્યા હતા. સૌથી વધુ રકમ બદ્રના યુદ્ધમાં ભાગ લેનાર વીર સહાબા માટે પાંચ હજાર દિરહમ નક્કી કરી હતી. હઝરત હસન અને હઝરત હુસેન રદી જો કે બદ્ર યુદ્ધ વખતે તો જન્મ્યા પણ નહોતા, તો પણ હઝરત ઉમર રદી.એ બંનેને પાંચ -પાંચ હજાર દિરહમ બદ્રના યુદ્ધ વીરો જેટલું જ પેન્શન બાંધી આપ્યું હતું. હઝરત અલી રદી અને ખલીફા હઝરત ઉમર રદી.નું પેન્શન પણ એટલું જ હતું.ત્રીજા ખલીફા હઝરત ઉસ્માન રદી.નું વર્તન પણ હઝરત હસન રદી માટે ખૂબ જ પ્રેમભર્યું હતું. હવે એ યુવાન થઇ ચુક્યા હતા તેથી તેઓ લડાઈઓમાં પણ ભાગ લેતા હતા. હિસ ૩૦માં હઝરત સઈદ બિન અલ આસ રદી.ની આગેવાનીમાં તબરસ્તાન પર સૈન્ય હુમલો કરવામાં આવ્યો એમાં હઝરત હસન રદી પણ સૈનિક તરીકે સામેલ હતા. હઝરત ઉસ્માન રદી વિરૂદ્ધ વિદ્રોહીઓએ મદીના મુનવ્વરામાં એમના મકાનનો ઘેરો ઘાલ્યો એ વખતે હઝરત અલી રદી.એ હઝરત હસન રદી.ને મકાનની સુરક્ષા માટે તૈનાત કરી દીધા હતા. વિદ્રોહીઓ સાથે ઝપાઝપીમાં હઝરત હસન રદી ઘાયલ પણ થયા હતા. આખુ શરીર લોહીમાં રંગાઈ ગયું હતું. વિદ્રોહીઓએ બારણામાંથી ઘરમાં ઘૂસી શક્યા ન હતા જ્યાં હઝરત હસન રદી પહેરો આપી રહ્યા હતા. જો કે દીવાલ ઓળંગી વિદ્રોહીઓ અંદર ઘૂસી ગયા અને હઝરત ઉસ્માન રદી કુર્આનની તિલાવત કરી રહ્યા હતા એ સ્થિતિમાં જ  એમને શહીદ કરી દીધા. હઝરત ઉસ્માન રદી.ની શહાદત પછી એમના ઉત્તરાધિકારી તરીકે કોને બેસાડવા એ માટે અલગ અલગ મંતવ્યો હતા પરંતુ નિર્ણાયક બહુમતી જૂથ હઝરત અલી રદીની તરફેણમાં હતું અને મોટાભાગના લોકો ઇચ્છતા હતા કે હઝરત અલી રદી ખિલાફત સંભાળે. એ વખતે હઝરત હસન રદીએ  પોતાના પિતાને સૂચન કર્યું હતું કે જ્યાં સુધી બહુમતી મુસલમાનો આપને ખિલાફત સ્વીકારવાની દરખાસ્ત ના કરે ત્યાં સુધી આપ ખિલાફત સ્વીકારશો નહીં.હઝરત અલી રદીની બેઅત (પ્રતિજ્ઞા) લેવાઈ ગઈ એ પછી જંગે જમલ (ઊંટનું યુદ્ધ)નો પ્રસંગ ઊભો થયો. જયારે મદીના મુનવ્વારામાં આ ખબર પહોંચી કે હઝરત આયશા રદી.ની ટુકડી કે જેમાં હઝરત તલ્હા રદી અને હઝરત ઝુબેર રદી પણ સામેલ હતા- હઝરત અલી રદીથી વિરોધ કરવા માટે મક્કાથી ઈરાક તરફ કૂચ કરી ગઈ છે – તો હઝરત અલી રદી પણ ઈરાક તરફ જવા માટે તૈયાર થઇ ગયા અને હઝરત હસન રદી અને હઝરત અમ્માર રદી.ને પહેલાથી કુફા મોકલી આપ્યા. સહી બુખારીથી એટલું સ્પષ્ટ થાય છે કે હઝરત હસન રદી કુફાની મસ્જિદના મીમ્બરના સૌથી ઉપલા સ્થાને હતા અને હઝરત અમ્માર એમનાથી નીચેના પગથિયા પર હતા.  એના પર ઊભા રહી હઝરત હસન રદી.એ પ્રવચન આપ્યું હતું. એનો સાર એ હતો કે કુફાના લોકો હઝરત અલી રદી.ની મદદ કરે. ઇતિહાસના ગ્રંથોમાં વધુ માહિતી છે. હસન રદી. નવ હજાર છસ્સો પચાસ કુફીઓને સાથે લઇ એ સ્થળે પહોંચ્યા હતા જ્યાં હઝરત અલી રોકાયા હતા. હઝરત હસન રદી.એ જંગે જમલમાં ભાગ લીધો હતો. એ પછી હિસ ૩૭માં હઝરત મુઆવિયા રદી.એ હઝરત અલી રદી.ને પડકાર આપ્યો કે હઝરત ઉસ્માન રદી.ના કાતિલોને મારા હવાલે કરી દો, હું તમારી પ્રતિજ્ઞા કરી લઈશ, પરંતુ આવું થયું નહીં અને એના પરિણામે હઝરત મુઆવિયા રદી અને હઝરત અલી રદી વચ્ચે સીફ્ફીનનું યુદ્ધ થયું. એમાં પણ હઝરત હસન રદી.એ ભાગ લીધો હતો.
(વધુ આવતા અંકે)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks