(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા. ૧૪
મહેસાણા તાલુકાના બલોલ ગામમાં સોમવારની રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ૧૭ વર્ષના કિંશોરની કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી છાતીના ભાગે ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરીને ગામના જ એક આધેડની ધરપકડ કરી હતી. પરંતુ, હત્યાની કબુલાત બાદ પસ્તાવો કરી રહેલા આરોપીએ બુધવારે પરોઢિયાના સુમારે એલસીબી કચેરીના ટોયલેટમાં જઈને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.
આઠેક માસ અગાઉ મહેસાણાના બલોલ ગામના કેતન પટેલના કસ્ટોડીયલ ડેથના પ્રકરણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી હતી. હવે, એ જ બલોલ ગામમાં હત્યા અને આત્મહત્યાની ઘટના સર્જાતા ફરીથી બલોલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યુ છે. આ કેસની સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારના રોજ ઘરેથી વેફર લેવા જાઉં છું કહીને રાત્રે ૯.૦૦ વાગ્યાના સુમારે બહાર ગયેલા પટેલ નીલ કિર્તીભાઈ (ઉ.વ.૧૭)ની કોઈ અજાણ્યા શખ્સે છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દીધી હતી. આ ઘટના અંગે મહેસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી પગેરુ મેળવવા તપાસ આરંભી હતી. દરમ્યાન આ કેસમાં શંકાસ્પદ જણાયેલા ગામના જ મહેશ ઉર્ફે લાલો મથુરભાઈ પટેલ(ઉ.વ.૫૦)ની પોલીસે અટકાયત કરી પુછપરછ કરતાં તેણે અગાઉ થયેલા ઝઘડાને કારણે નીલની હત્યા કરી હતી અને ચપ્પુ ઘરના દરવાજા ઉપર મુક્યું હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. દરમ્યાન, બુધવારે પરોઢિયાના સુમારે આરોપી મહેશ પટેલે મહેસાણા ખાતે એલસીબીના લોકઅપમાં આવેલા ટોયલેટમાં જઈને ચાદરથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ અંગે પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે,નીલની પોતે હત્યા કરી હોવાની કબુલાત બાદ પસ્તાવો થતાં તેણે આપઘાત કર્યો છે અને પોલીસે હત્યામાં વપરાયેલ લોહી વાળું ચપ્પુ કબજે કર્યુ છે. આ આપઘાત કેસની તપાસ જ્યુ. મેજિસ્ટ્રેટ કરશે તેવું જાણવા મળે છે.