સિંચાઈ ખાતાએ એવો દાવો કર્યો હતો કે આ આખી મઝાર અને કબર સિંચાઈ ખાતાની જમીન પર બાંધવામાં આવ્યા હતા, પરંતુ દરગાહના મુજાવરોએ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને ભૃકુટી તાણી છે
(એજન્સી) હરિદ્વાર, તા.ર૮
ઉત્તર પ્રદેશના ધાર્મિક નગર હરિદ્વારમાં આજે ફરીથી બુલડોઝર એક્શન લેવામાં આવ્યું હતું અને સુમન નગર વિસ્તારમાં આવેલી રોશન અલી શાહ બાબાની દરગાહ તથા કબર અને મઝારને શહીદ કરી દેવામાં આવ્યા હતા અને આખી દરગાહને કાટમાળમાં ફેરવી નાખવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. ઉત્તરાખંડ સરકારે ગેરકાનૂની દરગાહ થતા મદ્રેસા અને મઝાર સામે જે અભિયાન શરૂ કર્યું છે તેના ભાગરૂપે હરિદ્વાર જિલ્લા તંત્ર દ્વારા આજે બાબાની દરગાહને બુલડોઝર ફેરવીને ત્યાં જમીનદોસ્ત કરવામાં આવી હતી. જો કે સ્થાનિક લોકોમાં આ અંગે અભિપ્રાયમાં ભેદ જોવા મળી રહ્યો છે. દરગાહના સંચાલકો અને મુજાવર આ બાબતમાં નવો પ્રકાશ ફેંકી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સિંચાઈ વિભાગની જમીન ઉપર આ મઝાર બનાવી દેવામાં આવી હતી. બુલડોઝર કાર્યવાહી પૂરી થયા પછી અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે હજુ સુધી આ જગ્યાની માલિકીના કોઈ દસ્તાવેજો કે કાનૂની કોઈ કાગળ રજૂ કરવામાં આવ્યા નથી. આ જગ્યા સિંચાઈ ખાતાની છે અને તેના પર દરગાહ બનાવવામાં આવી હતી. અધિકારીએ એવો દાવો પણ કર્યો હતો કે કબર ખોદી કાઢવામાં આવી ત્યારે અમને નવાઈ એ લાગી હતી કે અંદરથી કોઈ માનવ કંકાલ પણ મળ્યા નહોતા. માત્ર થોડી ઈટો મળી હતી અને અંદર ઉગી ગયેલા ઝાડની ડાળખી નીચેથી એક રૂપિયાના કેટલાક સિક્કા મળી આવ્યા હતા. જોકે દરગાહના મુજાવર આફતાબનું કેવું છે કે મારા પિતા અહીં આવતા હતા અને અહીં ચિરાગ તથા અગરબત્તી પેટાવતા હતા. અગાઉ અખ્તર હુસેન આઝાદ નામની વ્યક્તિએ અહીં ચિરાગ મૂક્યા હતા અને એમના પછી આ કામગીરી એમનો પુત્ર ઇનામ વકીલ હુસેન નિભાવતો હતો અને હવે હું ચિરાગ પેટાવા આવું છું. જો કેઆફતાબ પાસે પણ જગ્યાની માલિકીને દર્શાવતા કોઈ કાગળ કે દસ્તાવેજ નથી. જો કે મુસ્લિમ કાર્યકર મોહમ્મદ આશિક કહે છે કે સરકારે આડેધડ કોઈપણ કબર કે દરગાહ પસંદ કરીને આવી કાર્યવાહી કરવી જોઈએ નહીં. અમે પણ આ દેશ માટે બલિદાનો આપ્યા છે એટલે ન્યાયપૂર્ણ કાર્યવાહી પહેલા થવી જોઈએ. જો કે પુષ્કરસિંઘ ધામી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ઉત્તરાખંડમાં તાજેતરના મહિનાઓમાં આવા ૫૫૦ જેટલા મકબરા તથા મસ્જિદો અને મદ્રેસાને ગેરકાયદે ગણાવીને બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર કહે છે કે જે બાંધકામની મંજૂરી લેવામાં આવી નથી તે અમે દૂર કરી રહ્યા છીએ, તે પછી ગમે તેવી જગ્યા હોય.