હવામાન વિભાગની આગાહી : ટૂંકમાં જ વરસાદનું જોર ઘટશે રાજ્યના ૯૪ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ એકેય જિલ્લામાં ૧૦ ઈંચથી ઓછો પડ્યો નથી

અમદાવાદ, તા.૩૧
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડૉ.અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. વરસાદને પગલે રાજ્યના ડેમો-જળાશયોની સ્થિતિની સમિક્ષા કરી સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે અને રાજ્યમાં પરિસ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે તેમ જણાવ્યું હતું. રાહત કમિશનર ડૉ.હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે. હાલ ૧૩ એનડીઆરએફની ટીમો અને એસડીઆરએફની બે ટીમો સંબંધિત જિલ્લાઓમાં તૈનાત છે તે ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડબાય-રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં ૯૪ તાલુકાઓ એવા છે કે, જેમાં મોસમનો ૧૦૦૦ મી.મી.થી વધુ વરસાદ વરસ્યો છે એ જ રીતે ૧૩૩ તાલુકાઓમાં ૫૦૧થી ૧૦૦૦ મીમી સુધી, ૨૪ તાલુકાઓમાં ૨૫૧થી ૫૦૦ મીમી સુધી અને ૨૫૦ મીમીથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવા એક પણ જિલ્લા નથી, આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૧૧૯.૭૮ ટકા થઈ ગયો છે જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૨૫૧.૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬૨.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૧.૭૨ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૭.૫૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૫૪ જળાશયો હાઈ એલર્ટ પર, ૧૨ જળાશયો એલર્ટ પર અને ૧૨ જળાશયો વોર્નિંગ ઉપર છે. ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૧૦૩ છે. રાજ્યમાં કુલ ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફલો થયા છે. રાજ્યના એસટી બસની ૪૮ રૂટ પરની ૧૦૧ ટ્રીપો બંધ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઈવેના ૩૩ અને પંચાયત હસ્તકના ૨૩૨, નેશનલ હાઈવે એક તથા અન્ય ૩૧ મળી કુલ ૨૯૭ રસ્તાઓ બંધ કરાયા છે. તેમજ રાજ્યમાં થયેલા સારા વરસાદને પરિણામે ૯૭.૧૪ ટકા વાવેતર થઈ ગયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks