(એજન્સી) નવી દિલ્હી, તા.ર
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં પોલીસ હવે વેરીફિકેશન માટે આવેદકના ઘરે નહીં જાય પરંતુ નવા નિયમ અનુસાર પોલીસ પોતાના રેકોર્ડમાં તપાસી અરજીકર્તાની અપરાધિક પૃષ્ઠભૂમિનો અહેવાલ આપશે.
મુખ્ય પાસપોર્ટ અધિકારી તેમજ સંયુક્ત સચિવ અરૂણકુમાર ચેટર્જીએ નિયમોના ફેરફાર અંગે પુષ્ટિ કરતા કહ્યું કે, પોલીસે વેરીફિકેશન માટે અરજીકર્તાના નિવાસસ્થાને જઈ હસ્તાક્ષર કરવા જરૂરી નથી. પોલીસે અરજીકર્તા સાથે વાતચીત કરવાની પણ જરૂર નથી. રાજ્યોને આ વ્યવસ્થાને તાત્કાલિક અમલમાં મૂકવા સૂચન કરાયું છે.
મળેલ જાણકારી મુજબ પોલીસ ફોર્મમાં ૧ર પ્રશ્નોની જગ્યાએ ૬ પ્રશ્નો કરવામાં આવ્યા છે. માનવશ્રમની તંગીવાળા પોલીસ વિભાગને આ પગલાંથી ફાયદો થશે અને પાસપોર્ટની પ્રક્રિયા પણ ઝડપી બનશે.
નોંધનીય છે કે, જો પોલીસકર્મીને અરજીકર્તાની અપરાધિક પૃષ્ઠભૂમિની તપાસ માટે તેના ઘરે જવું જરૂરી લાગે અથવા તે અન્ય કોઈ તપાસ કરવા માંગે તો કરી શકે છે. આ સાથે અરજીકર્તાએ પોતાના જૂના સરનામાઓની પણ માહિતી આપવાના બદલે માત્ર હાલના સરનામાની માહિતી આપવાની રહેશે.