હિંમતનગર, તા.ર૦
હિંમતનગર તાલુકા પંચાયત કે જે કોંગ્રેસ પાસે હતી જેને કેટલાક અસંતુષ્ઠોભાજપમાં જોડાતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા સરકીને ભાજપ પાસે જતી રહી છે. જો કે આગામી અઢી વર્ષ માટે ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા સભ્યોને સત્તાનું સુકાન સોંપીને ભાજપે ખેલ પાડીને કોંગ્રેસને ઊંઘતી ઝડપી લીધી છે. હિંમતનગર તાલુકા પંચાયતમાં સંખ્યાબળની વાત કરીએ તો ભાજપના ૧પ અને કોંગ્રેસના ૧૪ સભ્યો છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મંગળવારે કોંગ્રેસના નિરીક્ષક હિમાંશુ વ્યાસ તથા અન્ય એક પીઢ કોંગ્રેસીએ હિંમતનગર આવી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે અંકિત પટેલને મેન્ડેટ આપ્યો હતો. જેના કારણે કાંકણોલ-ર સીટ પરથી ચૂંટાયેલા હરેશ પ્રજાપતિ નારાજ થયા હતા. દરમ્યાન ભાજપે સત્તા હાંસલ કરવા માટે દાવપેચ શરૂ કરી દીધા હતા. જેમાં કોંગ્રેસના કેટલાક ચૂંટાયેલા સભ્યોનો સંપર્ક કરી પોતાની છાવણીમાં લાવી દીધા હતા. જેમાં ધુળસિંહ મૂળસિંહ રહેવર, નયનાબેન ગીરશભાઈ પટેલ તથા અપક્ષ વિષ્ણુસિંહ લાલસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
ભાજપ તરફથી પ્રમુખ માટે નયનાબેન પટેલ તથા પાર્ટીની વિરૂદ્ધ જઈને હરેશ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી હતી.
મતદાન દરમ્યાન ભાજપના ૧પ સભ્યોએ નયનાબેન પટેલ અને ધૂળસિંહ રહેવરને સમર્થન કરતા તેઓ વિજયી જાહેર થયા હતા. એક તબક્કે તો કોંગ્રેસના સભ્યો સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ સમજાવટ થતા તેઓ પરત ફર્યા હતા અને આખરે ભાજપે ખેલપાડીને હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેતા જિલ્લા રાજકારણમાં નવા સમીકરણો રચાવા માંડ્યા છે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના મમતાબેન સરતાનજી મકવાણા (બેરણા) ગેરહાજર રહેતા તેનો સીધો ફાયદો ભાજપને થયો છે. પણ સંખ્યાબળની રીતે જોઈએ તો સત્તાધારી અને વિરોધપક્ષ વચ્ચે એકનો એક આંકડો કોને કેટલો ફરે છે. તે હાલના તબક્કો કહેવું વહેલું ગણાશે.