
(એજન્સી) તા. ૫
હૈદરાબાદ યુનિવર્સિટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાધિકા વેમુલાએ આરોપ લગાવ્યો કે, પોલીસે ભાજપના કેટલાક નેતાઓના નિવેદન લીધા અને ‘ખોટા રિપોર્ટ’ સાથે કેસ બંધ કરી દીધો છે. રાધિકાએ કહ્યું, ‘તેઓએ આ કેસને કેવી રીતે બંધ કર્યું અને કેસ વિશે શું થયું તે વાતની અમને કોઈ જાણ નથી. કેવી રીતે પોલીસ જાતિ વિશે પૂછી શકે છે ? હું દલિત મહિલા છું. મારૂં બાળક દલિત કેવી રીતે ન હોઈ શકે ?’ હૈદરાબાદ યુનિવર્સિટીના મૃત વિદ્યાર્થી રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલાએ જણાવ્યું કે, તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટમાં લખ્યું હતું કે તેમનો પુત્ર દલિત નથી, જે ‘ખોટો રિપોર્ટ’ છે. હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચડીના છાત્ર રોહિત વેમુલાએ જાન્યુઆરી ૨૦૧૬માં આત્મહત્યા કરી હતી. પોલીસે આ કેસમાં યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને ભાજપના કેટલાક નેતાઓને ક્લીનચીટ આપી તેમને છોડી દીધા હતા. રોહિત ૧૦માં ધોરણમાં શાળામાં બીજા નંબરે આવ્યો હતો અને તેણે સારા માર્ક્સ મેળવ્યા હતા. રોહિતની માતા તેલંગાણાના સીએમને પણ મળી હતી. રોહિતની માતાએ જણાવ્યું હતું કે, તે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને મળી હતી જેમણે તેમને ખાતરી આપી છે કે આ કેસ ટૂંક સમયમાં ફરીથી ખોલવામાં આવશે. તેલંગાણા પોલીસે જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાર્થી રોહિત વેમુલાના મૃત્યુ વિશે વધુ તપાસ કરશે કારણ કે મૃતકની માતા અને અન્ય કેટલાક લોકોએ પોલીસ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટ પર કેટલીક શંકાઓ વ્યક્ત કરી છે.