(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૫
વિશ્વભરમાં જવલ્લેજ જોવા મળતા ઘુંટણથી ૯૦ ડિગ્રીના કાટખૂણે વળેલા પગ પર સફળ ઓપરેશન જેવા અનેક ઓપરેશનો સરળતાથી પારપાડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા થયેલા વડોદરાના ફૂટ એન્ડ એન્કલ સ્પેશીયાલીસ્ટ ડા.રાજીવ શાહના હસ્તે લિખીત અને અંગ્રેજીમાં પ્રકાશીત થયેલી હેન્ડબુક ઓફ ફુટ એન્ડ એન્કલ ઓર્થોપેડીકસ વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે ધૂમ વેચાણ થયા બાદ હવે આ બુકનું પોર્ટુગીઝ ભાષામાં ભાંષાતર કરી પ્રકાશીત કરવામાં આવી રહી છે.
ભારતની ફૂટ એન્ડ એન્કલ સોસાયટીના અધ્યક્ષનું હોદ્દો સંભાળી ચુકેલા વડોદરાનાં ડા.રાજીવ શાહ હાલમાં સોસાયટીનાં આંતરરાષ્ટ્રીય એકમના ઉપાધ્યક્ષનો હોદ્દો સંભાળી રહ્યાં છે. આ ઉપરાંત એશીયા પેસીફીક જનરલ ઓફ ફુટ એન્ડ એન્કલ સર્જરીના સંપાદકીય બોર્ડના પણ સભ્ય છે. અમેરિકાના કોલંબસ, શિકાંગો અને સ્પેનનાં ગીઝોનનાં ફૂટ એન્ડ એન્કલનાં ફેલો રહી ચુકયા છે. અંગ્રેજીમાં લખાયેલી તેમની હેન્ડ બુક ફૂટ એન્ડ એન્કલ ઓર્થોપેડીકસને બેસ્ટ બુક ઓફ-૨૦૧૫નો મુંબઇ ઓર્થોપેડીક સોસાયટી દ્વારા ખિતાબ મળ્યો હતો.
ફૂટ એન્ડ એન્કલમાં વડોદરામાં રહ્યાં રહ્યાં પણ પરદેશી દર્દીઓના અનેક પડકારજનક ઓપરેશન સરળતાથી પાર પાડયા છે. થોડા સમય અગાઉજ તેઓએ ઇરાકની એક ૧૧ વર્ષની કિશોરીનાં ઘુંટણથી વાંકા થયેલા પગની સફળ સર્જરી કરી હતી. અનેક દેશમાં ફરીને આ પરિવાર કેનેડા ગયું હતું. ત્યાંથી ડા.રાજીવ શાહનો રેફરન્સ મળતા આ પરિવાર વડોદરા આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદના જાણીતા તબીબની દિકરીને પગમાં થયેલી ઇજાને પગલે ફૂટ એન્ડ એન્કલની સારવાર માટે અમેરીકા લઇ ગયા હતા. જ્યાંથી અમેરિકન ઓર્થોપેડીક ફૂટ એન્ડ એન્કલ સોસાયટી દ્વારા વડોદરાના રાજીવ શાહનો રેફરન્સ મળતા તેઓએ અમેરિકાને બદલે વડોદરામાં ઓપરેશન કરાવ્યું હતું.