(એજન્સી) તા.૧૦
હોંગકોગના મીડિયા ઉદ્યોગમાં માંધાતા ગણાતા અને લોકશાહીની સદા તરફેણ કરનારા જીમી લેઇની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને હાથમાં હાથકડી પહેરાવીને તેમના અખબારની ઓફિસમાંથી લઇ જવાયા હતા. ચીને હોંગકોંગમાં સુરક્ષાને લગતા નવા કાયદાનો અમલ શરૂ કર્યો છે ત્યારથી ચીનની સરકારના વિરોધીઓની ઉપર પોલીસે આકરો ડંડો ઉગામ્યો છે અને સરકાર વિરોધી કંપનીઓ કે વર્તમાનપત્રોની ઓફિસો અને ઇમારતો ઉપર દરોડા પાડી રહી છે. વિદેશી સત્તાઓ સાથે સાંઠગાંઠ ધારવાની અને કૌભાંડ કરવાની આશંકા સાથે પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી જેમાં જીમી લેઇનો પણ સમાવેશ થતો હતો. નવા સુરક્ષા કાયદાની જોગવાઇ અનુસાર વિદેશી સત્તાઓ સાથએ સંબંધ રાખવો એક ગુનો બને છે. ચીનની પોલીસે લેઇના નવા ડિજીટલ પબ્લિસિંગ ગ્રુપને નિશાન બનાવી આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત જૂનના અંતે અમલમાં આવેલા નવા સુરક્ષા કાયદા અંતર્ગત સરકાર વિરોધીઓ ઉપર હાથ ધરાયેલી વિવિધ પોલીસ કાર્યવાહી પૈકી આ છેલ્લી કાર્યવાહી હતી. પોલીસે લેઇની સાથે તેના બે પુત્રોની પણ ધરપકડ કરી હતી એમ પોલીસના સૂત્રોએ એએફપી સમાચાર સંસ્થાને કહ્યું હતું. નવા દાખલ કરાયેલા સુરક્ષા ધારામાં આજીવન કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
લગભગ ૨૦૦ પોલીસોની ટુકડીએ લેઇ એપલ્સ ડેઇલી નામના અખબારની કચેરી ઉપર દરોડો પાડ્યો હતો. આ અખબારમાં કામ કરતાં એક પત્રકારે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો ઊતારી લીધો હતો અને તેના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરી દીધો હતો. અખબારના તંત્રી લો વેઇ ક્વોંગે કચેરીમાં ઘૂસી આવેલા પોલીસ અધિકારી પાસે વોરંટની માંગણી કરી હતી તે બાબત પણ આ વીડિયોમાં જોઇ શકાતી હતી. અમારા વકીલો આવે અને વોરંટની ચકાસણી કરે ત્યાં સુધી તમારા સહકર્મી પોલીસ જવાનોને એકબાજુએ ઉભા રહેવાનો આદેશ આપો એમ અખબારના તંત્રી પોલીસ અધિકારીને કહેતા આ વીડિયોમાં જોઇ શકાતા હતા.
પોલીસ અધિકારીઓએ આ કચેરીમાં આવેલા તમામ રૂમનું ચેકીંગ શરૂ કરી દીધું હતું અને બાકીના તમામ કર્મચારીઓને તેમનું સ્થાન છોડીને એકબાજુએ લાઇન લગાવીને ઊભા રહી જવાનો આદેશ કરાયો હતો. તે જ ક્ષણે અખબારના માલિક લેઇને પોલીસ અધિકારીઓ હાથમાં હાથકડી પહેરાવીને લઇ આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે કોર્ટ દ્વારા જારી કરાયેલા વોરંટના પગલે લેઇની ધરપકડ કરવામાં આવી હતી.